ડભોઈમાં નર્મદા મહોત્સવની પૂર્ણાહૂર્તિ કરવા મોદી ફરીવાર ગુજરાત પધારશે
શુક્રવાર, 14 જુલાઈ 2017 (17:28 IST)
ગુજરાતમાં ચૂંટણી નજીક આવતાં વડાપ્રધાન મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાતો વધી રહી છે. તાજેતરમાં જ મોદીએ રાજકોટમાં સૌની યૌજનાનો પ્રારંભ કરીને આજી ડેમમાં આવેલા નીરને વધાવ્યાં હતાં. ત્યારે તેઓ હવે ફરીવાર ગુજરાતમાં પધારી રહ્યાં છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાની કામગીરી પૂર્ણ થતાં રાજ્યભરમાં નર્મદા મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જેમાં 27 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી નર્મદા મહોત્સવ ગુજરાતભરમાં અલગ-અલગ કાર્યક્રમો સાથે ઉજવાશે. તેની પૂર્ણાહુતિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં 12 ઓગસ્ટે ડભોઈ ખાતે કરવામાં આવશે. અગાઉ નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નર્મદા યાત્રા યોજવાનું નક્કી થયું હતું પરંતુ હવે યાત્રાને બદલે ગુજરાતભરમાં મહોત્સવ કરવામાં આવશે. ગુજરાતના નર્મદા યોજનાનું કામ વર્ષોથી ચાલી રહ્યું હતું જેમાં અનેક અડચળો અને વિવાદ બાદ ડેમના દરવાજાની કામગીરી અટકી પડી હતી. પરંતુ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ ખૂબ જ ટૂંકાગાળામાં નર્મદાના દરવાજાની કામગીરીને મંજૂરી આપી દેવામાં આવી હતી. પરિણામે ગુજરાત સરકારે પણ દરવાજાની કામગીરી પૂર્ણ કરવા માટે ઝડપ કરી હતી. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ પર લગાવવામાં આવેલાં 30 દરવાજાને બંધ કરવાની મંજૂરી મળતાં 17મી જૂને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સ્વીચ પાડી દરવાજા બંધ કર્યા હતા. હાલ ડેમમાં સંગ્રહ થયેલાં પાણીથી 3 કરોડ લોકોને લાભ મળે છે પરંતુ હવે ડેમની સંગ્રહ ક્ષમતામાં 3.75 ટકાનો વધારો થયો છે. આ સાથે જ 1961માં ડેમના ખાતમૂહુર્તના 56 વર્ષ પછી ઐતિહાસિક ડેમની કામગીરી પૂર્ણ થઈ છે. ચોમાસા અગાઉ ડેમના દરવાજા બંધ થઈ શકતા હવે નર્મદાનું પાણી દરિયામાં વહી જતું અટકાવી શકાશે.