અમદાવાદ: આણંદના તારાપુર તાલુકાના ઇન્દ્રાણજ ગામના ખેડૂત મફતભાઈ મકવાણા અને તેમની પત્ની નાનીબેન કે જેઓ ગૃહિણી છે, તેમણે હાઈ સ્કુલ સુધીનું શિક્ષણ પણ મેળવ્યું નથી. આજે તેમના આનંદનો પાર નથી કારણ કે, તેમની દીકરીએ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ને પાસ કરી લીધી છે અને તે ડૉક્ટર બનવાની તેની મહત્વકાંક્ષાને આંબવા માટે સજ્જ થઈ ગઈ છે. છેલ્લાં 12 વર્ષ દરમિયાન વિસામો કિડ્સ ફાઉન્ડેશનનું સમર્થન મેળવીને ઊર્મિલાએ શુક્રવારના રોજ જાહેર થયેલા નીટના પરિણામોમાં એસસી કેટેગરીમાં 11,383મો ઑલ ઇન્ડિયા રેન્ક મેળવ્યો છે.
તેણે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 75% અને ધોરણ 10માં 92% મેળવ્યાં હતાં તથા તેના સમગ્ર શાળાશિક્ષણ દરમિયાન તેણે તેની સ્કુલ અને વિસામોમાં વિવિધ ઇત્તર-પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે ભાગ લીધો હતો. ઊર્મિલાની સિદ્ધીએ ચોક્કસપણે કેલોરેક્સ ગ્રૂપ દ્વારા સંચાલિત વિસામો કિડ્સ ફાઉન્ડેશનને પણ ખૂબ જ સન્માન અપાવ્યું છે. વિસામોના સમર્થન અને સહકારની મદદથી તેણે ધોરણ 10 સુધી ગોધાવીમાં આવેલ ઝાયડસ સ્કુલ ઑફ એક્સિલેન્સ ખાતે તેનું શાળાનું ભણતર પૂરું કર્યું હતું અને ત્યારબાદ ઉચ્ચત્તર માધ્યમિકનું શિક્ષણ કામેશ્વર સ્કુલમાંથી મેળવ્યું હતું.
ખૂબ જ ઉત્સુક વાચક અને ચિત્રકાર ઊર્મિલા શરૂઆતમાં આર્ટ્સ અને હ્યુમેનિટીઝના ક્ષેત્રમાં આગળ વધવા માંગતી હતી. ઊર્મિલાએ જણાવ્યું હતું કે, ‘મને વાંચવું-લખવું ખૂબ જ ગમે છે અને તે મારા રસના વિષયો હોવાથી હું કળા અને સાહિત્યનું ક્ષેત્ર પસંદ કરવા માંગતી હતી. જોકે, મેં એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપ્યો અને તેમાં મને જાણવા મળ્યું કે, હું મેડિસિનમાં કારકિર્દી બનાવવા માટે વધુ સારી ક્ષમતાઓ ધરાવું છું અને વિસામો ખાતેના મારા કાઉન્સિલરે મને સમજાવી કે મારે એ જ કરવું જોઇએ જેની પર મારી હથોટી હોય.’ ઉલ્લેખનીય છે કે, ઊર્મિલા પટના અથવા જોધપુર ખાતેની ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયેન્સિસ (એઇમ્સ)માં એડમિશન મેળવવા માંગે છે.
તેણે આગળ જણાવ્યું હતું કે, ‘વિસામો તરફથી પ્રાપ્ત થયેલું સમર્થન મારા માટે તો ખૂબ જ અમૂલ્ય સાબિત થયું છે, કારણ કે, તેની મદદથી હું શ્રેષ્ઠ ગુણવત્તાનું શિક્ષણ મેળવી શકું છું, મારા કૌશલ્યોને ધારદાર બનાવી શકી છું અને મારી સાચી ક્ષમતાને ઓળખી શકી છું. મને ખાનગી કૉચિંગ ઇન્સ્ટિટ્યૂટ તરફથી 50%ની સ્કૉલરશિપ પણ પ્રાપ્ત થઈ હતી, જ્યાં મેં નીટ માટેની તાલીમ લીધી હતી.’
વિસામો કીડ્સ ફાઉન્ડેશનમાં લગભગ 100 જેટલા વંચિત બાળકો પાંચ વર્ષની વયથી જ આશ્રય મેળવી રહ્યાં છે, જે તેમને શહેરની શ્રેષ્ઠ અંગ્રેજી માધ્યમની શાળાઓની સાથેના સહયોગમાં ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડી રહ્યું છે. વિસામો ખાતે રહેતા આ બાળકોને રહેવા-જમવાની તથા તેમની અન્ય જરૂરિયાતોની સારસંભાળ તો રાખવામાં આવે છે પરંતુ સાથે-સાથે અન્યો સાથે સહયોગ સાધીને તેમને સીબીએસઈ, આઇસીએસઈ તેમજ સ્ટેટ એજ્યુકેશન બૉર્ડ હેઠળની શાળાઓમાં ભણાવવામાં પણ આવે છે.
શરૂઆતથી જ શેલ્ટર હૉમ સાથે સંકળાયેલા બૉર્ડિંગ ઇન-ચાર્જ અને વિદ્યાર્થીઓના સંયોજક સુશ્રી અમી શાહે જણાવ્યું હતું કે, ‘ઊર્મિલા છેલ્લાં 12 વર્ષથી વિસામો કિડ્સ ફાઉન્ડેશન સાથે સંકળાયેલી છે અને તેની આ સિદ્ધિથી વિસામોની યશકલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. વંચિત પૃષ્ઠભૂમિમાંથી આવતા બાળકોને શ્રેષ્ઠ ગુણવત્તાનું શિક્ષણ અને શ્રેષ્ઠ તકો પૂરી પાડવાના અમારા નિરંતર પ્રયાસોને આશ્વાસન મળ્યું છે. ’
અમી શાહે આગળ ઉમેર્યું હતું કે, ‘તેની સફળતાની મદદથી અમે બેટી પઢાઓ અભિયાન માટે ઘટતું કરી શક્યાં છીએ, જે કેલોરેક્સ ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર એમડી અને સીઇઓ ડૉ. મંજૂલા પૂજા શ્રોફનું ખૂબ જ પ્રિય વિઝન અને મિશન છે. તેઓ છેલ્લાં 18 વર્ષથી સૌ કોઈ માટે અને ખાસ કરીને વંચિત પરિવારોમાંથી આવતાં બાળકો માટે શિક્ષણને સુલભ બનાવવા સમર્પિત રહ્યાં છે અને આજે ઊર્મિલા જેવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની આ લાંબી યાત્રાએ તેનો અલાયદો વિજયપથ કોરી કાઢ્યો છે.’