લિવ-ઇનમાં રહેતી પ્રેમિકાથી જન્મેલો કૂમળા ફૂલ જેવો શિવાંશ એક જ ક્ષણમાં માતા-પિતા વિનાનો નોધારો થઇ ગયો છે. હજુ તો તે સમજી પણ શકતો નથી, પાપા પગલી ભરી શકતો નથી, પરંતુ બાળકનાં માતા-પિતા કોણ એના પરથી પડદો ઊંચકાઇ જતાં બાળક શિવાંશ નોધારો બની ગયો છે. ત્યારે રવિવારે સાંજના સમયે ગાંધીનગર સિવિલથી ઓઢવ બાળ સંરક્ષણગૃહમાં લઇ જવામાં આવ્યો હતો. આ ઉપરાંત મહત્ત્વની બાબત છે કે શિવાંશની માતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તેનો પિતા હવે હત્યાનો આરોપી છે. કાનૂની નિષ્ણાતોના મતે શિવાંશ ખરેખર સચિનનો દીકરો છે કે નહીં એ બાબતની ખરાઈ DNA રિપોર્ટથી થશે. રિપોર્ટમાં આ વાત સાચી જણાય તો શિવાંશ પર સૌપ્રથમ હક તેના દાદા નંદકિશોર એટલે કે સચિનના પિતાનો ગણાય. તેઓ શિવાંશની જવાબદારી લેવા તૈયાર થાય છે કે પછી દત્તક આપવા માગે છે તેના પર શિવાંશનું ભવિષ્ય નક્કી થશે.
ગાંધીનગરના પેથાપુરમાં સ્વામિનારાયણ ગુરુકુળની ગૌશાળામાં શુક્રવારે રાત્રે અજાણ્યો યુવક બાળક મૂકી ગયો હતો. ગૌશાળાના સેવકે પોલીસને જાણ કર્યા બાદ બાળકની કસ્ટડી લેવામાં આવી હતી. ત્યાર બાદ તેના પરિવારની શોધખોળ માટે 100થી વધુ પોલીસ કામે લાગી હતી. અંતે, બાળકને મૂકી જનારા ગાંધીનગરના જ સચિન દીક્ષિતને રાજસ્થાનના કોટામાંથી શોધી લવાયો હતો. જોકે બીજા જ દિવસે ઘટસ્ફોટ થયો કે શિવાંશ સચિનની પ્રેમિકા દ્વારા થયેલો દીકરો છે અને તેણે પ્રેમિકા મહેંદીને મોતને ઘાટ ઉતારી દીધી છે.
ત્યાર બાદ શિવાંશને શનિવારની રાત્રે ઓઢવના બાળ સંરક્ષણગૃહમાં લાવવામાં આવ્યો હતો. આ અંગે દિવ્ય ભાસ્કરએ શિશુગૃહની મુલાકાત લઈ એક્સક્લૂઝિવ અહેવાલ તૈયાર કર્યો છે.
મહિલા અને બાળ વિકાસમંત્રી મનીષા વકીલ ઓઢવ બાળ સંરક્ષણગૃહ આવ્યાં હતાં, જ્યાં તેમણે જણાવ્યું હતું કે આજે બાળકને મળવા આવી હતી, બાળક ખૂબ સરસ છે. 30 દિવસ સુધી બાળક બાળ સંરક્ષણગૃહમાં જ રહેશે. 30 દિવસ દરમિયાન કોર્ટ કાર્યવાહી ચાલશે, જે પ્રમાણે કોર્ટ નક્કી કરશે એ પ્રમાણે કસ્ટડી સોંપવામાં આવશે. બાળકનો કબજો લેવા માટે પરિવારના સભ્યો જ આગળ આવે તો સારું. એમ નહિ થાય તો બાળકને કાયદાકીય પ્રક્રિયા દ્વારા દત્તક આપવાની કામગીરી કરવામાં આવશે. ડોકટર સાથે પણ વાત થઈ છે, બાળકની તબિયત ખૂબ સારી છે.બાળક જમે છે અને રમે પણ છે.