કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્યના આઠ મહાનગરોમાં આ વખતે દિવાળીના તહેવારની રાત કર્ફ્યૂમાં વીતશે

સોમવાર, 11 ઑક્ટોબર 2021 (11:32 IST)
ગુજરાતમાં 2020માં દિવાળીનો તહેવાર લોકોએ આનંદ અને ઉલ્લાસથી ઉજવ્યો હતો. ગત વર્ષે કોરોનાની ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવીને બજારોમાં લોકોની ભીડ ઉમટી હતી. 
દિવાળીના તહેવાર બાદ અચાનક રાજ્યમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થયો હતો.તે સમયે અમદાવાદમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. 
અમદાવાદ સહિત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ બે દિવસના કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી હતી. લોકોની ઉજવણીએ તે સમયે બીજી લહેરને આમંત્રણ આપ્યું હતું અને 
દિવાળી બાદ શરૂ થયેલી બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ હતી. હવે ફરીવાર 2021ના વર્ષમાં દિવાળીનો તહેવાર આવ્યો છે. હાલમાં પણ કોરોનાના કેસો નિયંત્રિત છે અને 
સરકારે વધુ છુટછાટો આપી છે. તેમજ આ વખતે 10મી નવેમ્બર સુધી આઠ મહાનગરોમાં રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે. જેથી હવે આ દિવાળીની રાત આઠ 
મહાનગરોમાં કર્ફ્યૂમાં વીતશે. રાજ્યમાં સરકારે ફરીવાર રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો છે. નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે મુદ્દત પૂરી થવાના 2 દિવસ બાકી છે ત્યારે વધુ એક મહિના માટે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યું છે. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.ગુજરાતમાં 2020ના નવેમ્બરમાં કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી. દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી, મંદિરો અને પ્રવાસન સ્થળ પર લોકો ઉમટી પડી રહ્યા હતા, તે દરમિયાન કોરોનાને કાબુમાં લેવા સરકારે કોઈ પ્લાનિંગ ના કર્યું તે સમયે મીડિયા અને સોશિયલ મીડિયામાં નેતાઓ તથા પ્રજાની ભીડના કારણે કોરોના વિસ્ફોટ થવાનો ભય સતત વ્યક્ત કરવામાં આવ્યો હતો. છતાં સરકારે કોઈ પગલાં લીધા ન હતા. બાદમાં એકાએક કર્ફ્યૂ લાદી દઈને સરકાર કોરોના કાબુમાં લેવા માટે કાર્યવાહી કરી હતી. સરકારે વિકટ પરિસ્થિતિમાં છુટછાટો આપતાં ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળાં મારવા જેવો ઘાટ સર્જાયો હતો.  ગુજરાતમાં કોરોનાના કેસો વધતા 23 નવેમ્બર 2020ના રોજ અમદવાદમાં સતત કર્ફ્યૂની સાથે અન્ય ત્રણ શહેરો એવા સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. ખાસ કરીને અમદાવાદમાં શનિ-રવિની રજાઓ દરમિયાન ભીડ બેકાબૂ અને બેફામ ન બને તે માટે થઈને સાવચેતીના પગલા રૂપે સતત 57 કલાકનો કર્ફ્યૂ મુકવામાં આવ્યો હતો. ગુજરાતના વેપાર-ધંધા ધીમે-ધીમે પાટા પર આવી રહ્યા હતાં ત્યારે ફરીથી કર્ફ્યૂ કે લોકડાઉનના કારણે વેપારીઓને ફરી નુકસાન વેઠવું પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 26 હજાર 160ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 86 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 15 હજાર 872 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, જેમાંથી 5 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 178 દર્દીની હાલત સ્થિર છે.20 સપ્ટેમ્બરે પહેલી અને બીજી લહેરના સૌથી ઓછા 8 કેસ નોંધાયા હતા. સૌથી વધુ 6 કેસ અમદાવાદ કોર્પોરેશનમાં નોંધાયા છે. જ્યારે 5 શહેર અને 31 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 ટકા પર સ્થિર રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર