વિધાનસભામાં આરોગ્યમંત્રીએ કહ્યું, H3N2માં માસ્ક ફરજિયાત નથી પણ પહેરો તો સારુ

Webdunia
શનિવાર, 18 માર્ચ 2023 (12:37 IST)
રાજ્યમાં H3N2 ફ્લૂના કેસો જોવા મળી રહ્યા છે ત્યારે આ નવા વેરિયન્ટને લઇને લોકોમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિધાનસભામાં આ અંગે થયેલી ચર્ચામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે H3N2ના દર્દીઓ માટે માસ્ક પહેરવું ફરજિયાત નથી પરંતુ તેઓ માસ્ક પહેરે તેવી સલાહ છે જેથી અન્યને ચેપ ન લાગે.

વિધાનસભામાં H3N2 ફ્લૂની બીમારી અંગે નિયમ 116 મુજબ ચર્ચા થઇ હતી. જે દરમિયાન ભાજપના મણિનગરના ધારાસભ્ય અમુલ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો હતો કે આ ફ્લૂને કારણે માસ્ક, સેનિટાઇઝેશન જેવી વાતો થઇ રહી છે.સરકારે માસ્ક ફરજિયાત અંગેની કોઇ ગાઇડલાઇન બહાર પાડી છે? આ પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આ ફ્લૂના દર્દી માટે માસ્ક ફરજિયાત નથી પણ દર્દીઓએ જાતે જાગૃતિ દાખવીને પોતાના પરિવાર અને આસપાસના લોકોની સલામતિ માટે માસ્ક પહેરવું જોઇએ તેવી સલાહ છે. આવા દર્દીઓ જાતે આઇસોલેટ થાય, હાથ મિલાવવાને બદલે નમસ્કાર કરે, ભીડભાડવાળી જગ્યાએ જાય નહીં તે હિતાવહ છે.

પટેલે કહ્યું કે, સામાન્ય રીતે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં સિવિયર રેસ્પિરેટરી સિન્ડ્રોમ જેવા કેસોમાં વધારો થતો હોય છે. રાજ્યની હોસ્પિટલોમાં ઓપીડીની સંખ્યામાં 10થી 15 ટકાનો વધારો જોવા મળ્યો છે જ્યારે ઇનડોર દર્દીઓમાં 3થી 5 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં સિઝનલ ફ્લૂના 83 કેસ અને એક મૃત્યુ નોંધાયા છે. જેમાં 80 H1N1 અને 2 H3N2ના કેસો નોંધાયા છે. રાજ્યમાં H3N2થી એકપણ મૃત્યુ થયું નથી.ગુજરાતમાં સામાન્ય શરદી, ઉધરસ, તાવ અને ગળામાં બળતરા થાય તેવાં લક્ષણોવાળા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે રાજકોટ એઇમ્સના ડિરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વપૂર્ણ નિવેદન આપતા જણાવ્યું હતું કે, H3N2 કોઇ ગંભીર વાઈરસ નથી સામાન્ય ફ્લૂ જેવો છે તેનાથી ડરવાની જરૂર નથી માત્ર સાવચેત રહેવું જરૂરી છે.

કોરોનાની ઘાતક બીજી લહેર હજુ પણ લોકો ભૂલી શક્યા નથી તેવામાં હવે ગુજરાતમાં કોરોના બાદ H3N2 નામના નવા વાઈરસની શરૂઆત થવા પામી છે. આ બધા વચ્ચે રાજકોટ એઇમ્સના ડાયરેક્ટર સી.ડી.એસ.કટોચે મહત્ત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે આ વાઈરસ પણ અન્ય વાઈરસની જેમ સામાન્ય વાઈરસ જ છે. લોકોએ ડરવાની કોઈ જરૂર નથી. કોરોના સમયે જેવી રીતે સાવચેતી રાખવામાં આવતી હતી તેવી જ સાવચેતી લોકોએ રાખવી પડશે, પરંતુ વાઇરસથી ડરવાની જરૂર નથી.

સંબંધિત સમાચાર

Next Article