વડોદરામાં મહિલાને બાઈક ચાલકે એડફેટે લેતાં મોત, બાઈક ચાલક પણ મોતને ભેટ્યો

શુક્રવાર, 17 માર્ચ 2023 (16:26 IST)
વડોદરા શહેરના જુના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને પસાર થયેલા એક બાઈક ચાલકે અડફેટમા લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈક ચાલકનું બંનેનું સ્થળ પર કરુણ મોત નિપજ્યુ હતું. આ બનાવને પગલે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો પહોંચી ગયા હતા. બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ બાઈક ફુલ સ્પીડમાં અથડાતી હોવાની સીસીટીવી સામે આવ્યા છે.મળેલી માહિતી પ્રમાણે જુના પાદરા રોડ ઉપર રહેતા મંજુલાબેન ભીખાભાઇ પટેલ નામની મહિલા દૂધ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન અક્ષર ચોક તરફથી બાઈક લઈને પૂરપાટ આવી રહેલા બાઇક ચાલક રાધવ સુબોધભાઈ ખેરસિંગર (ઉ.વ.25) એ મહિલાને અડફેટમાં લીધી હતી. જેમાં મહિલાનું સ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. તે સાથે મોટરસાયકલ ચાલક પણ રોડ ઉપર પટકાતા તેનું પણ સ્થળ પર મોત નીપજ્યું હતું.


વહેલી સવારે આ ઘટના બનતાની સાથે જ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. તે સાથે પરિવારજનો અને સોસાયટીના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.આ ઘટના બનતા મોર્નિંગ વોકમાં નીકળેલા સુભાષભાઈએ ઘટના અંગે જણાવ્યું હતું કે, મંજુલાબેન પટેલ અમારી સોસાયટીની બાજુમાં આવેલી સોસાયટીમાં પરિવારની સાથે રહેતા હતા. સવારે 6 વાગે તેઓ દૂધ લેવા માટે નીકળ્યા હતા. તેમની સાથે એક નાની બાળકી પણ હતી. ત્યારે અક્ષર ચોક તરફથી પુરપાટ આવી રહેલા બાઇક ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. જેમાં તેમનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું. સાથે બાઇક ચાલક યુવાનનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો.જુના પાદરા રોડ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દેનાર આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. જે.પી. પોલીસ મથકના પીએસઆઇ આર. સી. વાળંદે જણાવ્યું હતું કે, મરનાર યુવાન મૂળ મધ્યપ્રદેશનો છે. માતા વિધવા છે. માતા MPથી વડોદરા આવવા નીકળી ગયા છે. યુવાન એકલો રહેતો હતો અને સવારે નોકરી પર જવા નીકળ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર