મૃત વૃક્ષોનું મ્યુઝિયમ એટલે 'મ્યુઝિયમ ઓફ ટ્રીઝ', 8000 થી ઘેરાયેલું સુકુભઠ્ઠ વન

Webdunia
શનિવાર, 23 એપ્રિલ 2022 (13:12 IST)
રાજ્યમાં ઘણી જગ્યાએ ઘણા એવા પ્રોજેક્ટ હોય છે જે ભારે જોરશોરથી શરૂ કરવામાં તો આવે છે પરંતુ તેની યોગ્ય કાળજી અને ફોલોઅપના લીધે તે માત્ર કાગળો પર જ રહી જાય છે. આવા પ્રોજેક્ટો પાછળ લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવતા હોય છે. પરંતુ છેવટે તે પ્રજાના પૈસા નકામા જાય છે. આવો ઉત્તમ નમૂનો જુઓ તો તમને વડોદરા શહેરમાં જોવા મળી જશે. આ પ્રોજેક્ટ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડત નિર્ણયનો ઉત્તમ નમૂનો છે. 
 
અમે વાત કરી રહ્યા છીએ વડસર લેન્ડફિલ સાઈટની. જ્યારે 2018માં વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે 50 લાખનો ધૂમાડો કરી 92 જાતના 8000 વૃક્ષો ઉગાડવામાં આવ્યા હતા અને તેને  ‘મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’ નામ આપવામાં આવ્યું હતું. આ  ‘મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’ નું ઉદઘાટન તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું હતું. પરંતુ આજે જ્યારે તમે આ સાઇટની મુલાકાત લેશો તો તમને ત્યાં જીવતા નહી મૃત્ય વૃક્ષોનું મ્યુઝિયમ જોવા મળશે. 
 
“મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’ માં હોંશે હોંશે વૃક્ષારોપણ તો કરવામાં આવ્યું પરંતુ તેની યોગ્ય દેખભાળ લેવામાં ન આવતાં તે વૃક્ષો બળી ગયા. “મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’ ની ફરતે એક સાઇકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે પરંતુ 'લાશોના ઢગલા' જેવા બળેલા વૃક્ષોની વચ્ચે કોઇ ચકલુંય ફરકતું નથી. માંડ અઠવાડિયામાં એક કોઇ સાઇકલિંગ માટે આવે છે બાકી તો આ વેરાન વિસ્તારમાં કોઇ ફરકતું પણ નથી. 
 
ઉલ્લેખનીય છે કે, “મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’માં વૃક્ષો લગાવ્યા બાદ તેની કોઇ દેખભાળ રાખવામાં ન આવતા તે મૃતઃપ્રાય હાલતમાં છે. ‘મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’ની ફરતે સાઇકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ સ્થળ સૂકાભઠ્ઠ વનમાં ફેરવાઇ જતાં સાઇકલિંગ કરવા માટે પણ કોઇ આવતું નથી. “મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’ ખાતે રહેતા પરિવારે જણાવ્યું હતું કે, કોઇ કોઇ દિવસ પાંચ-દસ યુવાનો સાઇકલ લઇને સાઇકલિંગ કરવા માટે આવે છે.
 
અત્રે નોંધનીય છે કે વડોદરા શહેરમાં નવા વિકાસના કામો માટે પાલિકા દ્વારા રૂપિયા 100 કરોડના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. પરંતુ, જુના પ્રોજેક્ટોની સાર સંભાળરાખવામાં ન આવતાં કરોડો રૂપિયાનું ધોવાણ થઇ જાય છે. ‘મ્યુઝિયમ ઓફ ટ્રીઝ’માં 8000થી વધુ અલગ અલગ જાતના છોડ અને વૃક્ષો વાવી તેમની માહિતી લોકો સુધી પહોંચશે, તેવા દાવા કરવામા આવ્યા હતા. પરંતુ, અન્ય પ્રોજેક્ટોની જેમ અહીં પણ કોઈએ ધ્યાન ન આપતા આ મ્યુઝિયમ મૃતઃપાય બની ગયું છે.

સંબંધિત સમાચાર

Next Article