ડ્રગ્સના પ્રકાર શોધવા લેટેસ્ટ ટેક્નોલોજી વિકસાવાઈ, નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર શરૂ કરાશે

Webdunia
ગુરુવાર, 1 જુલાઈ 2021 (14:47 IST)
ડ્રગ્સ વિરોધી ભારત બનાવવા માટે ગુજરાતમાં પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. આ માટે ગાંધીનગરમાં નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર શરૂ કરાશે. આ સેન્ટર દ્વારા ડ્રગ્સના પ્રકાર, ઓરિજીન, માત્રા શોધવા માટે લેટેસ્ટ ટેકનોલોજી વિકસાવાઈ છે. અગાઉ તાત્કાલિક તપાસ તેમજ પુરાવાના અભાવે ડ્રગ પેડલરને કેટલાંક સંજોગોમાં સજામાંથી રાહત મળી જતી હતી. તે ઉપરાંત આગામી ગુજરાત મુલાકાત દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સેન્ટરની મુલાકાત લઈ શકે છે. છેલ્લા એક વર્ષમાં રાજ્યની વિવિધ એજન્સીઓએ અમદાવાદ સહિત રાજ્યભરમાંથી 4.53 કરોડનું અલગ અલગ પ્રકારનું ડ્રગ્સ ઝડપ્યું છે, જેમાં સૌથી વધુ મેફેડ્રોન જપ્ત થયું છે. ખાસ તો લોકડાઉન પછી ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર વધ્યો છે.

છેલ્લા નવ મહિનામાં રાજ્યમાં છ વાર ડ્રગ્સનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ઉપરાંત ગાંજા અને અન્ય નશાકારક પદાર્થોની હેરાફેરી પણ પકડાઈ છે. સૌથી વધુ ડ્રગ્સનો જથ્થો અમદાવાદમાંથી ઝડપાયો છે.અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 13 સપ્ટેમ્બરે એક કરોડના એમડી ડ્રગ્સ સાથે એએસઆઈ સહિત પાંચને ઝડપ્યા હતા. વધુ તપાસમાં મુંબઈમાં બોલીવૂડના લોકો સહિત મહારાષ્ટ્રમાં એમડી ડ્રગ્સનો સપ્લાય કરનારો અફાક બાવા ઝડપાયો હતો. તેના સાથીદારો હજુ એમડીની હેરાફેરી કરતા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, મુંબઈથી સુરત, અમદાવાદમાં એમડી ડ્રગ્સ ઘૂસાડવાનું પ્રમાણ વધ્યું છે તથા કોલેજિયનો ડ્રગ્સ માફિયાઓના ટાર્ગેટ પર હોય છે. 23 સપ્ટેમ્બરે ડીસીબીએ સુરતમાં એક જ દિવસમાં ત્રણ જગ્યાએથી કુલ 3 કરોડથી વધુનું એમડી ડ્રગ્સ પકડી પાડ્યું હતું.રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાની સૂચના હેઠળ રાજ્યમાં નશીલા પદાર્થોની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા 5 સપ્ટેમ્બરથી 4 ઓક્ટોબર, 2020 સુધી સ્પેશિયલ ડ્રાઇવ યોજાઈ હતી, જેમાં રાજ્યનાં વિવિધ શહેરો-ગામોમાં કુલ 72 કેસો દાખલ કરીને 79 આરોપીની ધરપકડ કરાઈ હતી.

સંબંધિત સમાચાર

Next Article