વિદ્યાર્થીઓ સાથેની આત્મિયતા રંગ લાવી દિવ્યાંગ શિક્ષિકા બાળકોને મફતમાં ભણાવે છે

Webdunia
સોમવાર, 20 જાન્યુઆરી 2020 (12:10 IST)
આજના યુગમાં બાળકોને શિક્ષણ આપવું એક મા બાપ માટે મોટો પડકાર હોય છે. મોંઘી દાટ શાળાઓમાં બાળક પાંચ વર્ષનું હોય ત્યારથી જ જાણે મોટા ખર્ચા વાળું શિક્ષણ શરુ થઈ જતું હોય છે. પરંતુ આ યુગમાં પણ એવા શિક્ષકો છે જે બાળકોને કેળવણી આપવામાં ક્યારેય પાછા પડતાં નથી. ગુજરાતના પાટડી તાલુકાના બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓની એક હઠ કેટલું કામ કરે છે અને શિક્ષક પ્રત્યેનો પ્રેમ કેટલો મહાન હોય છે એ આ સ્ટોરી આપણને જણાવે છે. બજાણાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ નિવૃત્ત થઈ ચૂકેલાં શિક્ષિકા પાસે જ ભણવાની હઠ પકડી હતી.

શાળાના આચાર્યે બાળકોની લાગણી શિક્ષિકા સુધી પહોંચાડી અને શિક્ષિકા પણ જાણે રાહ જોઈને જ બેઠાં હોય, તેમ કોઈ પણ વેતન ન લેવાની શરતે તૈયાર થઈ ગયાં!  59 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા નયનાબહેન રાવલ 3 મહિનાથી બાળકોને ભણાવી રહ્યાં છે. નયનાબહેન પોલિયોને કારણે બંને પગે 100 ટકા દિવ્યાંગ છે. આ બીમારીએ તેમને શારીરિક રીતે વિકલાંગ બનાવ્યાં પણ મનોબળ તોડી ન શક્યું.  નાનપણમાં જ પહેલાં એક પગે, પછી બીજા પગે પોલિયોથી દિવ્યાંગ બનેલાં નયનાબહેન કહે છે, ‘દૃઢ મનોબળથી મેં વઢવાણ વિકાસ વિદ્યાલયમાં પીટીસી સુધીનું શિક્ષણ પૂરું કર્યા બાદ મારી માતા શિક્ષિકા હતી ત્યાં જ બજાણા પે સેન્ટરમાં શિક્ષિકાની નોકરી મળી. આ સ્કૂલમાંથી ગયા વર્ષે મેં નિવૃત્તિ લીધી હતી.  એક દિવસ શાળાના આચાર્ય મોહનભાઈનો ફોન આવ્યો કે બાળકો આપને ખૂબ યાદ કરે છે અને આપની પાસે ફરીથી ભણવાની જીદ કરે છે. હું બાળકોને નિ:શુલ્ક ભણાવવાની શરતે તૈયાર થઈ અને 3 મહિનાથી રોજ બાળકોને ભણાવું છું.

સંબંધિત સમાચાર

Next Article