રાધનપુરના મેમદાબાદના ખેડૂતોએ રેલવે ટ્રેક પર સૂઈને ટ્રેન રોકીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ખેડૂતોના વિરોધના પગલે રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ખેડૂતોને સમજાવીને સમગ્ર મામલો થાળે પાડવાના પ્રયાસો કર્યાં હતા. રિપોર્ટ અનુસાર બનાસકાંઠા અને કચ્છને જોડતો ટ્રેન વ્યવહાર રાધનપુરથી પસાર થાય છે. તેથી રેલવે વિભાગ દ્વારા મેમદાબાદ કોલપુર નજીક એક ફાટક બનાવવામાં આવ્યો છે.
ફાટક બનાવ્યા પહેલા મોટી સંખ્યામાં ખેડૂતો આ રસ્તાનો અવર-જવર માટે ઉપયોગ કરતા હતા, પરંતુ ફાટક બન્યા પછી ટ્રેન આવવાના કારણે ઘણી વાર ફાટક બંધ થઇ જાય છે અને તેના કારણે ખેડૂતોને પોતાના ખેતર પર જવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જો કે, રેલવે દ્વારા ખેડૂતોને એક વૈકલ્પીક રસ્તાની સુવિધા આપવામાં આવી છે, પરંતુ તે માર્ગ પરથી ખેડૂતોને ત્રણ કિલોમીટર ફરવા જવું પડે છે એટલે ખેડૂતોએ નજીકમાં રસ્તો બનાવવાની અથવા તો ફાટક ખોલીને રસ્તો ખુલ્લો કરવાની માંગણી કરી હતી, પરંતુ રેલવે તંત્ર દ્વારા ખેડૂતોની માંગણીને ધ્યાને ન લેવામાં આવતા ખેડૂતોએ અંતે વિરોધનો રસ્તો અપનાવ્યો હતો. આસપાસના ગામડાના ખેડૂતોએ જે સમયે રેલવે ટ્રેક પરથી ટ્રેન પસાર થવાની હતી ત્યારે રેલવે ટ્રેક પર સૂઈને પોતાનો વિરોધ ધરાવ્યો હતો. મોટી સંખ્યામાં લોકોને રેલવે ટ્રેક પર જોઈને ટ્રેનના ચાલક દ્વારા ટ્રેનને રોકી દેવામાં આવી હતી. ખેડૂતો દ્વારા રસ્તો ખુલ્લો કરવાની માગ સાથે રેલ રોકો આંદોલન કરવામાં આવતા રેલવેના અધિકારીઓ દોડતા થઇ ગયા હતા. રેલવેના અધિકારીઓ અને પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસ દ્વારા અટકાયતની કાર્યવાહી કરવામાં આવતા ખેડૂતોએ પોતાનું આંદોલન સમેટી લીધું હતું.