પેટા ચૂંટણીમાં હાર બાદ સોશિયલ મીડિયા પર છવાયો અલ્પેશ ઠાકોર, ઉડી રહી છે મજાક

શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (13:58 IST)
ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી 2019માં રાધનપુર બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર અલ્પેશ ઠાકોરને કારમી હારનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, વર્ષ 2017માં રાધનપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટાઇ આવ્યો હતો. પરંતુ કોંગ્રેસ છોડીને પક્ષપલટો કરીને ભાજપનો ખેસ ધારણ કરનાર અલ્પેશ ઠાકોર સામે રાધનપુરની જનતા ભારે રોષે ભરાયેલી હોય એમ વિધાનસભા પેટા ચૂંટણીના પરિણામ પરથી લાગી રહ્યું છે. તો બીજી તરફ વિધાનસભા ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની હાર થવાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઇ ગયો છે. યુઝર્સ અલ્પેશ ઠાકોરની સોશિયલ મીડિયા પર ઠેકડી ઉડાવી રહ્યાં છે.
 
ચૂંટણીમાં હારને લઇને અલ્પેશ ઠાકોર ટ્વિટર પર ટ્રોલ થઇ રહ્યો છે. એક યુઝર્સે હેસટેગ અલ્પેશ ઠાકોર સાથે લખ્યું કે, બીગેસ્ટ બકરા ઓફ ધ ડે, ત્યારે અન્ય યુઝર્સે મુન્નાભાઇ એમબીબીએસનો ફોટો મુકીને લખ્યું કે ‘ભાઇ આ તો શરૂ થયા પહેલા જ ખતમ થઇ ગયો.’ તો એક યુઝર્સે અલ્પેશ ઠાકોરની કફોડી હાલત દર્શાવતી તસવીરો શેર કરી છે. આ ઉપરાંત એક યુઝર્સે લખ્યું છે કે, સોરી અલ્પેશ ઠાકોર લોકો કોંગ્રેસની ફેવરમાં છે. જ્યારે અનેક લોકોએ #Alpeshthakor વાપરીને અલ્પેશ ઠાકોરની મજાક ઉડાવી છે. સાથે સાથે વ્હોટ્સ એપમાં પણ અલ્પેશ ઠાકોરની હારને લગતા મજાકીયા મેસેજ ફરતા થયા છે.
 
ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવ્યો હતો. જે બાદ તેણે પક્ષમાં તેને મહત્વ ન આપવામાં આવી રહ્યું હોવાનું કારણ આગળ ધરીને કોગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું. જે બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને અલ્પેશ ભાજપમાં જોડાયો હતો. ભાજપે અલ્પેશને રાધનપુર બેઠક પરથી જ ટિકિટ આપી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર