અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમાઇ રહી છે, જેમાં બીજા દિવસે કેપ્ટન વિરાટ કોહલી ઝીરો રને આઉટ થયો હતો અને છેલ્લા 471 દિવસથી સદી મારી શક્યો નથી. કોહલીએ છેલ્લે 2 નવેમ્બર 2019ના રોજ બાંગ્લાદેશ સામે ઈડન ગાર્ડન્સ ખાતે ડે-નાઇટ ટેસ્ટમાં 136 રન કર્યા હતા. ત્યાર પછી વિરાટ કોહલી વનડે, ટેસ્ટ અને ટી-20માં 12-12 ઈનિંગ્સ રમ્યો છે છતાં ટ્રિપલ ડિજિટ સુધી પહોંચ્યો નથી. વિરાટ કોહલીના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરતથી ખાસ 3 ભૂદેવો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેપ્ટનના સારા પ્રદર્શન અને સદી ફટકારે એ માટે જાપ કરવા આવ્યા છે. તે લોકો સ્ટેડિયમમાં પારંપરિક વસ્ત્રો પહેરીને આવ્યા હતા.છેલ્લા ઘણા સમયથી કોહલી શતક લગાવી શક્યો નથી અને સારું પ્રદર્શન પણ કરી શક્યો નથી અને આઉટ થઈ જાય છે, જેથી ભૂદેવ ક્રિકેટપ્રેમીઓ વિરાટ કોહલી સારું પ્રદર્શન કરે અને આવનારી મેચમાં નવા રેકોર્ડો સ્થાપિત કરે એ માટે સ્ટેડિયમમાં જ શ્લોકનું સ્મરણ કરશે. ભૂદેવો માત્ર વિરાટ માટે જ નહીં, પરંતુ તેની સાથે આખી ભારતીય ટીમને પ્રોત્સાહિત કરવા માટે પ્રાર્થના કરશે.આ અંગેની પુષ્ટિ કરતાં જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિતે જણાવ્યું હતું કે વિરાટ કોહલીને 2013થી રાહુની વિંશોત્તરી મહાદશા ચાલે છે, પરંતુ તે સ્વગૃહી હોવાથી તેનો પ્રભાવ ઓછો પડે છે અને એની દૃષ્ટિ લાભસ્થાન પર પડવાથી 2013 પછી તેમનાં માન-સન્માન તેમજ દરેક ક્ષેત્રમાં તેમને સિદ્ધિ મેળે છે, જેમ કે, 2014માં તેમને ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન તરીકેની ભૂમિકા મળી હતી, તેની સાથે જ અત્યારસુધી અગણિત સિદ્ધિઓ પણ તેઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે.