સામાન્ય માણસ દંડાય પણ પ્રજા પ્રતિનિધિઓ બેરોકટોક નિયમોનો ભંગ કરે છે
સામાન્ય માણસ જ્યારે સહેજ નાકની નીચે માસ્ક રાખીને નીકળે તો પોલીસ તેને સીધા જ એક હજાર રૂપિયાનો મેમો પકડાવી દે છે. ક્યારેક પોલીસ અને પ્રજા વચ્ચે માસ્કને લઈને ઘર્ષણ પણ થાય છે. ત્યારે પ્રજાના પ્રતિનિધિઓ જ વિધાનસભામાં માસ્ક વિના પ્રવેશતા અધ્યક્ષે તેમને ખખડાવી નાંખ્યાં હતાં. અધ્યક્ષે ધારાસભ્યોને ટકોર કરી હતી કે પોતાની રજુઆત સિવાયના સમયમાં અહીં ઉપસ્થિત તમામ ધારાસભ્યોએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
20 જેટલા ધારાસભ્યો માસ્ક વિના જોવા મળ્યા
ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટસત્રમાં આજે ગૃહમાં ઉપસ્થિત કેટલાક ધારાસભ્યો બેરોકટોક માસ્ક વિના નજરે ચડયા હતા. જેના પગલે ભાજપના દંડક પંકજ દેસાઈએ વિધાનસભાના અધ્યક્ષનું ધ્યાન
ગૃહમાં આજે મેં માસ્ક વગરના ધારાસભ્યોની ગણતરી કરી છે. જેમાં 20 જેટલા ધારાસભ્યો માસ્ક વિના જોવા મળ્યા હોવાનો સ્વીકાર કર્યો હતો. અને તમામ ધારાસભ્યોને માસ્ક પહેરવાની ચેતવણી આપી હતી. અધ્યક્ષે ગૃહમાં ધારાસભ્યોએ તેમની રજુઆત સિવાયના સમયમાં માસ્ક પહેરી રાખવા ટકોર પણ કરી હતી.
ધારાસભ્યોને ગૃહની ગરીમા જાળવવા અધ્યક્ષે ટકોર કરી
વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શિસ્ત પાલન માટે જાણીતા છે અને કોઇપણ પક્ષના ધારાસભ્યોને સહેજ પણ ગેરશિસ્ત જણાય તો ટકોર કરતા હોય છે. ગૃહમાં રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા કોંગ્રેસ ઉપર જોરદાર પ્રહાર કરી રહ્યા હતા જેમને સમર્થન આપવા ભાજપના ધારાસભ્યોએ વાહ વાહ પોકારવાનું શરૂ કર્યું હતું. જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમને ટકોર કરતા કહ્યું હતું કે વાહ અને આહ જેવા શબ્દો અહીં નહીં ચાલે, ગૃહની ગરીમા જળવાય તેવું વર્તન હોવું જોઇએ. સમર્થનમાં પાટલી થપથપાવો, શબ્દોનું ઉચ્ચારણ કરવાની જરૂર નથી.
કોંગી ધારાસભ્યને ભાજપના સભ્યોએ તાળીઓથી વધાવ્યા
રાજ્યપાલના સંબોધન પરની ચર્ચા દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મરે સરકારની આકરી ટીકા કરી અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. વીરજી ઠુમ્મરનું પ્રવચન પુરૂ થયા બાદ તરત જ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો બોલવાનો વારો હતો એટલે ભાજપના સભ્યોએ તાળીઓ અને પાટલી થપથપાવીને અભિવાદન કર્યું હતું. પરંતુ માહોલ એવો સર્જાયો કે સરકારની ટીકા કરી હોવા છતાં વીરજી ઠુમ્મરને ભાજપના સભ્યોએ તાળીઓથી વધાવ્યા હોય. જેથી અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કોમેન્ટ કરી હતી કે તમે તાળી કોના માટે પાડી એ તો કહો, વચ્ચે થોડી રાહ તો જોવી હતી.
વિપક્ષના નેતા બનવા કોંગી ધારાસભ્યોમાં ખેંચતાણ
રાજ્યમાં છ મહાનગર પાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી મોટા પરાજયનો સામનો કરવો પડ્યો છે. હવે રાજ્યમાં જાણે કોંગ્રેસ મુક્ત જેવું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. બીજી બાજુ આવનારી વિધાનસભામાં ભાજપ દ્વારા 150 સીટો મેળવવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાં હવે ટાંટિયા ખેંચ બંધ નથી થઈ અને વિપક્ષના નેતા બનવા માટે કોંગી નેતાઓમાં ખેંચતાણ શરુ થઈ ગઈ છે. ત્યારે પક્ષે વિધાનસભામાં વિપક્ષના નવા નેતાની શોધખોળ આદરી છે. જે હવે કોંગ્રેસના ધારાસભ્યોના અભિપ્રાય મેળવ્યા બાદ વિપક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.