સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલી માનસી રેસિડેન્સીમાં રહેતા બે બાળકો ગઇકાલે બપોરે રમતા રમતા ગૂમ થઈ ગયા હતા. કલાકોની શોધખોળ બાદ બંને બાળકો પાર્કિગમાં પાર્ક કરેલી એક કારની પાછળની સીટ પરથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. ત્યારબાદ સારવાર માટે બાળકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં બંનેનું મોત નિપજ્યું હતું. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ માનસી રેસિડેન્સીમાં રહેતા બે બાળકો હેલીશ રૂપાવાલા (પાંચ વર્ષ) અને વિરાજ જરીવાલા (ચાર વર્ષ) બપોરના સમયે નાસ્તો લેવા માટે ઘરેથી નિકળ્યાં હતા. પરંતુ ઘણો સમય થયા બાદ પણ બાળકો ઘરે પરત ફર્યા ન હતા.
જેથી બંનેના પરિવારજનોએ બાળકોની શોધખોળ હાથ ધરી પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો. સાંજના સમયે પાર્કિગમાં રમી રહેલા બાળકોને કારની પાછળની સીટ પર બંને બાળકોને બેભાન અવસ્થામાં જોયા હતા. જેની જાણ કરતા સોસાયટીના રહિશોએ કારનો કાચ તોડીને બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં શક્યતા એવી પણ માનવામાં આવી રહી છે કે બંને બાળકો કારમાં લોક થઈ જવાને કારણે તેમનું ગૂંગળાઈને મોત થયું હોઈ શકે છે. આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.