કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા HR Conclave ગિફ્ટ સિટી ક્લબ એન્ડ બિઝનેસ સેન્ટર ખાતે ૨૭ જુલાઈ યોજાઈ ગઈ. ૧૫૦થી વધુ કંપનીઓના વડાઓ તથા મુખ્ય અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન વલ્લભભાઈ એમ. પટેલ, ચંદુભાઈ પોપટભાઈ વિરાણી (ચેરમેન, બાલાજી વેફર્સ, રાજકોટ), લલિતભાઈ પાડલિયા (કમિશ્નર ઓફ હાયર એજ્યૂકેશન, ગુજરાત સરકાર) તથા યૂનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. એસકે મંત્રાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કડી સર્વ વિશ્વવિદ્યાલયના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ. પટેલે કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રંસગે જણાવ્યું, “કડી સર્વ વિદ્યાલયે શરૂઆતથી જ ’કર ભલા હોગા ભલા’ સૂત્રને સાર્થક કરવાના પ્રયાસ કર્યો છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈને આ કાર્યક્રમના આયોજન દ્વારા ઔદ્યોગિક સંસ્થાનો અને શિક્ષણ વચ્ચે રહેલી ખાઈને પૂરવાનો પ્રયાસ કરવાનો ઉદ્દેશ છે.”
બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણીએ તેમની કાઠિયાવાડી શૈલિમાં વક્તવ્ય આપતા જણાવ્યું હતું, “અમે ફાટેલા કપડાં પહેર્યા અને તમે ફાડીને પહેરો છો.” તેમણે આગળ જણાવ્યું કે અમે શરૂઆતથી જ ગ્રાહકોની માગ મુજબ પરંપરા સાથે નવિનિકરણનો સમન્વય કરતા આવ્યા છીએ. એમણે કહ્યું કે મારી સફળતા પાછળનું મુખ્ય કારણ મેં નિષ્ફળતાને જ મારો ગુરૂમંત્ર બનાવ્યો છે.
શ્રી એલ.પી. પાડલિયાએ વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા ઉપલબ્ધ વિવિધ યોજનાઓની જાણકારી આપી હતી અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના આ પ્રયાસને બિરદાવ્યો હતો.