કચ્છમાં જખૌના દરિયા કિનારેથી ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાંથી 77 કિલો હેરોઈન ઝડપ્યું, 6ની ધરપકડ

Webdunia
સોમવાર, 20 ડિસેમ્બર 2021 (11:56 IST)
બાતમીના આધારે ગુજરાત ATS  અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું
 
ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ,  કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટા કન્સાઈનમેન્ટ સાથે ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડયું તેના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા છતાં ડ્રગ્સની હેરાફેરી બેફામ પણે ચાલી રહી છે. ત્યારે કચ્છમાં જખૌના દરિયાકાંઠેથી ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSની ટીમે પાકિસ્તાની બોટમાં લવાતું 77 કિલો હેરોઈન ઝડપ્યું છે અને 6 લોકોની ધરપકડ કરી છે. 
 
'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ
કચ્છના જખૌ દરિયાકિનારે બાતમીના આધારે ગુજરાત ATS  અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 'અલ હુસેની' નામની પાકિસ્તાની બોટ ઝડપાઈ હતી. આ બોટનું સર્ચ ઓપરેશન કરાતા તેમાંથી 400 કરોડ રૂપિયાનું 77 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. એટલું જ નહીં જખૌ દરિયાકાંઠે ઓપરેશન દરમિયાન 6 પાકિસ્તાની શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તમામ લોકોને કસ્ટડીમાં લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે.
ઝડપાયેલા 6 લોકોની પુછપરછ શરૂ કરાઈ
ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ પાકિસ્તાની શખ્સોની પુછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેમાં આ ડ્રગ્સ કોને મોકલ્યું હતું? અને રાજ્યમાં ક્યાં મોકલવાનું હતું? આ ડ્રગ્સકાંડના તાર કોના સાથે જોડાયેલા છે. તમામ પાસાઓને આવરી લઈને તેમની પુછપરછ કરવામાં આવી રહી છે. અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ આવતા હોય છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના દરિયા કાંઠેથી જાન્યુઆરી 2021માં 30 કિલો, એપ્રિલ 2021માં 30 કિલો, સપ્ટેમ્બર 2021માં 3,000 કિલોથી વધુ અને નવેમ્બર 2021માં 186 કિલોથી વધુ ડ્રગ્સ મળી આવ્યું છે.

સંબંધિત સમાચાર

Next Article