હિંમતનગરના સાકરોડિયા ગામમાં જર્મનીના યુવક સાથે રશિયાની યુવતીએ હિન્દુ વિધિથી લગ્ન કર્યા

સોમવાર, 20 ડિસેમ્બર 2021 (11:24 IST)
હિંદુ સંસ્કૃતિએ હંમેશાં વિદેશીઓને પણ આકર્ષ્યા છે. આવા જ આકર્ષણને લઈને હિંમતનગરના સાકરોડિયામાં અનોખા લગ્ન યોજાયા હતા, જ્યાં અલગ અલગ દેશનાં વર-વધૂએ ગુજરાતી જાનૈયાઓની હાજરીમાં સપ્તપદીનાં પગલાં ભરી હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કર્યાં હતાં.સાકરોડિયામાં યોજાયેલા અનોખા લગ્નમાં વર જર્મનીનો અને કન્યા રશિયાની, જેમાં જાનૈયા ગુજરાતી હતા. બે અલગ અલગ દેશના લોકો રવિવારે હિંદુ ધાર્મિક વિધિ વિધાનોથી લગ્નના તાંતણે જોડાયાં હતાં. મૂળ જર્મનીના ક્રિશ મુલર અને રશિયાની જુલિયા ઉખવાકટીનાને ભારતના અધ્યાત્મે આકર્ષેલા અને આ જ અધ્યાત્મ તેમના મંગલ પરિણયમાં પરિણમ્યું હતું. તેમની હિંદુ વિધિથી લગ્ન કરવાની ઇચ્છા પણ ફળીભૂત થઈ હતી. વર-વધૂને પીઠી પણ ચોળાઈ. લગ્ન ગીત પણ ગવાયાં અને કન્યાદાન પણ અપાયું.જુલિયા અને ક્રિશ બંને અધ્યાત્ત્મની શોધમાં છે અને તેઓ દાદા ભગવાનથી આકર્ષાયેલાં. આ આકર્ષણ તેમને સાકરોડિયા ગામમાં ખેંચી લાવ્યું. તેમના મિત્રને હિંદુ ધાર્મિક વિધિથી લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને તરત જ કંકુના કરાયા. કંકોત્રીઓ છપાઈ, કન્યા અને વર પક્ષનું સ્થાન તેમના મિત્રનાં પરિવારજનોએ લીધું અને લગ્ન સંપન્ન થયા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર