અડધો કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો
શહેરની વિશ્વામિત્રી નદીમાં મગરો માનવ વસ્તીમાં આવવા લાગ્યા છે. રાત્રિના સમયે સુખલીપુરા ગામમાં ઘર પાસે 12 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. આ મગરનું ચાલુ વરસાદમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને મગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો. રાત્રિના 3 વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પાવર પર સુખલીપુરા ગામના સરપંચનો ફોન આવ્યો હતો કે, અમારા ગામમાં ભરવાડ વાસ પાસે એક મહાકાય મગર રોડ પર આવી ગયો છે.
વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર
આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થાના સેક્રેટરી યુવરાજસિંહ રાજપૂત, કિરીટ રાઠોડ, અશોક વસાવા, હાર્દિક પવાર અને વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર નીતિન પટેલ અને લાલજી નિઝામાને લઈને ત્યાં પહોંચ્યા હતા. ત્યાં પહોંચીને જોતા એક મહાકાય 12 ફૂટનો મહાકાય મગર ઘર પાસે આવેલા રોડ પર જોવા મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગનાં રેસ્ક્યુ સેન્ટર પર લઈ જવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 250થી 300 મગર છે. આ સિવાય આજવા ડેમ, દેવ નદી, ઢાઢર નદી અને વડોદરા શહેર જિલ્લાના તળાવો મળી અંદાજે એક હજાર જેટલા મગર છે. એક માદા મગર 20થી 22 ઇંડાં મૂકે છે, જેમાંથી સમય જતા માત્ર એકાદ બચ્ચું જીવે છે. નદી કે તળાવ તેના કુદરતી આવાસ છે.