ગુજરાત વિધાનસભાની વર્ષ 2022 ચૂંટણી નજીક આવી રહી છે. સૌ કોઈની નજર વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન સત્તાધારી પક્ષ ભાજપ અને તેમની સરકાર સામે બાયો ચડાવનાર આંદોલનકારી નેતાઓ પર ટકી છે. 2017ના વર્ષમાં હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીએ સરકાર સામે મોરચો ખોલ્યો હતો. 2017ના વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ 99 બેઠક જીતીને પોતાની સરકાર બનાવી હતી. આ વાતને હવે પાંચ વર્ષ વીતી ગયો છે. આંદોલનકારી નેતાઓએ પણ પોતાની રાજકીય ભૂમિકા બદલી છે.વર્ષ 2017માં ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સેના ઊભી કરી દારૂબંધી, વ્યસન મુક્તિ સાથે અલ્પેશ ઠાકોર મેદાન ઉતર્યા હતા અને ઓબીસી સમાજની અંદર હીરો થયા હતા.
વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ વર્ષ 2017માં અલ્પેશ ઠાકોર કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. ગુજરાત કોંગ્રેસે વર્ષ 2017માં અલ્પેશ ઠાકોરને રાધનપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી લડાવી હતી. અલ્પેશ ઠાકોર રાધનપુર બેઠક પરથી ધારાસભ્ય બન્યા પરંતુ અલ્પેશ ઠાકોરની કોંગ્રેસ સાથેની દોસ્તી ખૂબ લાંબો સમય ચાલી ન હતી. વર્ષ 2019ની લોકસભાની ચૂંટણી બાદ અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા. ત્યારબાદ રાધનપુર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર પણ બન્યા. જોકે, અલ્પેશ ઠાકોર ચૂંટણી હારી ગયા હતા.હવે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અલ્પેશ ઠાકોર ભારતીય જનતા પાર્ટીમાં પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે.
ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી રાધનપુર અથવા કલોલ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આમ પણ અલ્પેશ ઠાકોરે છેલ્લા છ મહિનાથી રાધનપુર વિધાનસભા બેઠકનો પ્રવાસ વધારી દીધો છે. રાધનપુર ખાતે વર્તમાન સમયમાં જ અલ્પેશ ઠાકોરે ઘર પણ લઈ લીધું છે. હવે જોવાનું રહેશે કે અલ્પેશ ઠાકોરને ભારતીય જનતા પાર્ટી કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે છે.અલ્પેશની જેમ હાર્દિક પટેલ પણ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં સામેલ થયા હતા. કોંગ્રેસે હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ પણ બનાવ્યા પરંતુ કોંગ્રેસ સાથે હાર્દિક પટેલની દોસ્તી પણ લાંબો સમય ન ચાલતા તેમણે કૉંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું હતું અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. હાર્દિક પટેલ પણ વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી લડવા માટે પોતાના રાજકીય પાસાઓ ગોઠવી રહ્યા છે.ભારતીય જનતા પાર્ટીના સૂત્રો જણાવી રહ્યા છે કે હાર્દિક પટેલને પાર્ટી હાર્દિક પટેલના માદરે વતન વિરમગામ અથવા તો સૌરાષ્ટ્રના મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. આ બંને નેતાઓ આંદોલન કરીને નેતા બન્યા છે અને બાદમાં પક્ષ પલટો પણ કર્યો છે. હવે જોવાનું રહેશે કે ભારતીય જનતા પાર્ટી આ બંને નેતાઓને કઈ બેઠક પરથી ચૂંટણી લડાવે છે.