ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાય એવી શક્યતા છે. રાજકીય પક્ષો દ્વારા પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. એ ઉપરાંત આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ પણ જાહેર કરી દેવાયું છે. હવે કોંગ્રેસ પણ તેના ઉમેદવારોની ટૂંક સમયમાં જાહેરાત કરશે.
આ પહેલા મિશન 2022 માટે યુથ કોંગ્રેસ એક્શનમાં આવ્યું છે.અમદાવાદ ખાતે આજે યુથ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં યુથ કોંગ્રસના પ્રમુખ હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, ગત 5 તારીખે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ દરમિયાન તેમના દ્વારા કેટલાક મહત્વપૂર્ણ વચનો આપવામાં આવ્યા હતા. ત્યારે ગુજરાતના યુવાનોને જાગૃત કરવા માટે યુથ કોંગ્રેસ દ્વારા બે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. બંને યાત્રામાં વિધાનસભાની 75 બેઠક કવર કરવામાં આવશે. યુથ કોંગ્રેસ દ્વારા યુવાનોને લઈને અપાયેલા વચનો દરેક યુવાનો સુધી પહોંચાડવામાં આવશે.તેમણે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેઠકમાં ગુજરાતના બેરોજગાર યુવકોને દરમહિને 3 હજારનું ભથ્થુ આપવામાં નિર્ણય લેવામાં આવશે અને નોકરીમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરવામાં આવશે. આ ઉપરાંત કોંગ્રેસ આવનારા સમયમાં 10 લાખ નોકરી આપવામાં આવશે. આ વચનને લઈને યુથ કોંગ્રેસ પરિવર્તન યાત્રા ગુજરાતભરમાં યોજાવા જઈ રહ્યું છે. હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, 22મી સપ્ટેમ્બરથી યુથ કોંગ્રેસ અંબાજીથી યાત્રા શરૂ કરશે. અંબાજીથી ઉમરગામ સુધીની પ્રથમ તબક્કાની યાત્રા નીકળશે, બીજા તબક્કામાં સૂઇગામથી સોમનાથ સુધીની યાત્રા નીકળશે. આ બંને યાત્રામાં ગુજરાતના 27 જેટલા જિલ્લા કવર કરવામાં આવશે. આ ઉપરાંત મશાલ યાત્રા, સમંલનો, બાઈક રેલીનું આયોજન કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન યુથને વધુમાં વધુ કોંગ્રેસ તરફ આકર્ષિત કરવાના પ્રયાસ કરાશે. ગુજરાત કોંગ્રેસને વિધાનસભાની ચૂંટણી માટે 600 દાવેદારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. 182 બેઠકો માટે આ દાવેદારી રાફડા ફાટ્યા સમાન ગણાય પણ ચિંતાનો વિષય એ છે કે કચ્છ જેવા જિલ્લામાં 97 જેટલા ટિકિટ વાંછુકો ચૂંટણી લડવાની તૈયારી બતાવી રહ્યા છે જ્યારે ઘણા એવા જિલ્લાઓ છે જેમાં કોંગ્રેસને મુરતિયો મળવો મુશ્કેલ છે.