વંથલીમાં પોલીસ પર પત્થરમારો, ધારાસભ્યની અટકાયત કરાઈ, પોલીસે ટીયરગેસના સેલ છોડ્યાં

Webdunia
સોમવાર, 4 જૂન 2018 (12:57 IST)
વંથલીની ઓઝત નદી ખોદી નાખી તેમાંથી રેતી કાઢતા લુખ્ખા તત્વોને તંત્ર છાવરતું હોવાની વાતને લઇ ગ્રામજનોમાં પ્રચંડ રોષ જોવા મળ્યો હતો. રોષે ભરાયેલા ખેડૂતો અને ગામવાસીઓ આજે ટાયરો સળગાવી ચક્કાજામ કરી બંધ પાળ્યો હતો. સાથે આવા લુખ્ખા તત્વો સામે ખાતાકીય પગલા નહીં ભરાઇ તો 29 જૂનના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરીમાં 40થી 50 સ્ત્રી-પુરુષ ખેડૂતો આત્મવિલોપન કરી જીવ આપશે તેવું મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. આજે વંથલી સજ્જડ બંધ પાળતા આંદોલનકારી નયનભાઇ કલોલા નામના ખેડૂત પર લુખ્ખા તત્વોએ હિચકારો હુમલો કરતા લોહીલૂહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બાદમાં પરિસ્થિત વધુ તંગ બની હતી અને પોલીસ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. ટોળાને કાબૂમાં લેવા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. તેમજ ધારાસભ્ય જવાહર ચાવડાની અટકાયત કરી હતી. લોકમાતા ઓઝત નદીમાં થતા આડેધડ રેત ખનન સામે સ્થાનિકોનો રોષ જોવા મળી રહ્યો છે. ધારાસભ્યને મનાઇ, સિંચાઇ વિભાગનો પરિપત્ર અને નિયમોનો ઉલાળિયો કરી અને પ્રાંત અધિકારી તથઆ મામલતદાર દ્વારા લુખ્ખા તત્વોને છાવરવાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ મુદ્દે આવેદનપત્રમાં મુખ્યમંત્રીને ઉદેશીને કડક પગલા ભરવા જણાવાયું છે નહીં તો 29 જુને 11 વાગે સામૂહિક આત્મવિલોપનની ચિમકી પણ અપાઇ છે. આ અભિયાનમાં કણઝરી, કણજાધાર, કાઝલિયાળી ગામોએ ટેકો જાહેર કરી બંધ પાળ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article