સુરતમાં કાપડને જીએસટી મુક્ત કરવાની માગણી સાથે વેપારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. સરકારના વિરોધમાં વેપારીઓ રોડ ઉપર ઉતરી આવ્યા હતા. જેના પગલે આંદોલનનો માહોલ તંગ બન્યો હતો. સી.આર. પાટીલની આગેવાનીમાં રવિવારે સાંજે યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં મળેલી વેપાર પ્રગતિ સંઘ,એસજીટીટીએ અનેએસજીટીપીએ તથા મોટી સંખ્યામાં ભેગા થયેલા વેપારીઓએ હડતાળ નહીં કરી દુકાનો યથાવત રૂપે કાર્યરત કરવાનો નિર્ણય લીધો હતો. જેમાં આજે પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો ખુલતાં વેપારીઓના એક ગ્રૃપે ટેક્સટાઇલ માર્કેટની પોલીસ ચોકીનો ઘેરાવ કરી પથ્થર મારો કર્યો હતો.
આ પથ્થરમારા બાદ પોલીસે વેપારીઓ ઉપર લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. વેપારીઓના પથ્થરમારા દરમિયાન એક પોલીસ કર્મચારીને માથાના ભાગે ઇજા થઈ હતી. તો બીજી બાજુ પોલીસે ટોળામાં રહેલા એક વૃદ્ધને ઢસડીને તેમની ઉપર અમાનુષી અત્યાચાર ગુજાર્યો હતો. માર્કેટમાં સમાધાન માટે આવેલા નવસારી સાંસદ સી.આર.પાટીલનો વિરોધ કરતાં વેપારીઓ દ્વારા હુરિયો બોલાવવામાં આવ્યો હતો. દેશભરના ટેક્સટાઇલ વેપારીઓમાં કાપડ પર પાંચ ટકાના જીએસટીના સ્લેબને લઇ વિરોધ છે. જેમની આગેવાની લઈ સુરત જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા હડતાળનું આહવાન કરાયું હતું. અગાઉ આ કમિટી દ્વારા નિર્ધારિત કરાયેલા નિર્ણય મુજબ 30મી જૂને જો કાઉન્સિલ વેપારીઓના હિતમાં નિર્ણય ન આપે તો 1લી જુલાઇથી અનિશ્ચિત સમય માટે બંધનું પાલન થશે. જો કે 30મી જૂને સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સંઘર્ષ સમિતિની મળેલી બેઠકમાં વેપારીઓના ધાર્યા કરતાં ઊલટું પરિણામ આવ્યું હતું. જાણે સંઘર્ષ સમિતિ સરકારી દાબદબાણમાં આવી ગઇ હોય તેમ 5 જુલાઇથી બંધનો નિર્ણય આપતાં રોષે ભરાયેલા વેપારીઓ સંઘર્ષ સમિતિનો વિરોધ કરી હાય હાયના નારા લગાવ્યા હતા.