બુધવારે મોડી સાંજે છોટાઉદેપુરથી મધ્યપ્રદેશ જઈ પરત ફરી રહેલી એસટી બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. તીરમારો એટલે જોરદાર હતો કે, ચાલુ બસે કંડકટરને છાતીમાં તીર વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. છોટાઉદેપુરથી રાજ્યની સરહદને અડીને આવેલ મધ્યપ્રદેશના કઠ્ઠીવાડા ચાલતી ગુજરાત વચ્ચે એસટી બસો ચાલે છે. રેગ્યુલર શિડ્યુલ મુજબ, ગઈકાલે સાંજે 6:10 કલાકે છોટાઉદેપુરથી કઠ્ઠીવાડા જવા બસ રવાના થઈ હતી અને સાંજના 7 વાગે છોટાઉદેપુર પરત ફરી રહી હતી. તે દરમિયાન મધ્યપ્રદેશની હદમાં આવેલ જંગલ વિસ્તારમા અચાનક બસ ઉપર તીરમારો કરવામા આવ્યો હતો. જેમાં સદનસીબે ડ્રાઈવર અને બસમા સવાર છ મુસાફરો બચી ગયા હતા. પરંતુ બારીના ખુલ્લા કાચમાથી આવેલ એક તીર કંડક્ટર ગોવિંદભાઈની છાતીમા ઘુસી ગયુ હતું. તીરને કારણે ગોવિંદભાઈ ગંભીર રીતે ઘવાયા હતા. તીર વાગ્યાની જાણ થતા જ એસટી બસના ચાલકે 108ને જાણ કરી હતી. ગોવિંદભાઈને છોટાઉદેપુર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. બનાવને લઈ બસના ચાલકે છોટાઉદેપુર પોલીસ મથકમા તીરમારો કરનાર અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જોકે, આ તીરમારો કયા કારણોસર થયા છે તે જાણી શકાયું નથી.