ગુજરાત હાઈકોર્ટે POCSO Act ને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે તરૂણ અવસ્થામાં કરેલા પ્રેમ અને સંમતિથી શરીર સબંધ બાંધવા બદલ લઘુતમ 10 વર્ષની કેદની સજા આપવાનો નિર્ણય લીધો છે.કોર્ટે નોંધ્યું કે, નાની ઉંમરે સંમતિથી પણ સંભોગ કરો તો કાયદો માફ કરશે નહીં. આ કાયદામાં જ 10 વર્ષની લઘુત્તમ સજાની જોગવાઈ હોવાથી કોર્ટ પણ કોઈ છૂટ આપી શકતી નથી અને કોર્ટ પાસે કોઈ અધિકાર પણ રહેતો નથી. આ પ્રકારના કિસ્સામાં એક ભૂલ તરુણ કે યુવાનની આખી કારકિર્દી અને જીવનનો મહત્વનો એક દાયકો ખતમ કરી દે છે. કોર્ટે વધુમાં નોંધ્યું કે,નાની ઉંમરમાં પ્રેમ સંબંધમાં થનારા આ 'સ્ટેટ્યૂટરી ગુના' માટે 10 વર્ષની આકરી કેદ આજની પેઢીએ ન ભોગવવી પડે તે માટે જાગૃતિ ફેલાવવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની રહેશે. જાહેર હિતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો પોકસો એકટ બાબતે અને આ ગુનાઓની ગંભીરતા બાબતે અખબાર, પેમફ્લેટ, સાઈન બોર્ડ, રેડિયો અને ટેલિવિઝન પર જાહેરખબર પ્રસિદ્ધ કરીને જાગૃતિ ફેલાવે. જેથી બાળકો, વાલીઓ અને સામાન્ય લોકોને આ કાયદા અને તેની કડક જોગવાઈઓનું ભાન થઈ શકે.આ ઉપરાંત કોર્ટે શાળાઓ અને કોલેજીસમાં પણ જાગૃતિ અભિયાન કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે ગુજરાતમાં આ જાગૃતિ અભિયાન માટે રાજ્યના ચીફ સેક્રેટરી, ગૃહ સચિવ, માધ્યમિક શિક્ષણ સચિવ સહિતના તમામ જવાબદાર લોકોને પગલાં લેવા માટે આદેશ આપ્યો છે.આ કાયદો વર્ષ 2012માં દેશભરમાં વધી રહેલા રેપની ઘટનાઓમાં આરોપીઓને સજા ફટકારવાના હેતુથી બનાવવામાં આવ્યો હતો. પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સ (POCSO) એક્ટ હેઠળ સગીર વયના બાળકોની છેડતી, દુષ્કર્મ અને જાતીય સતામણી જેવા કેસમાં સુરક્ષા આપવાનો છે. આ કાયદા હેઠળ સગીર વયના બાળકો સાથે થતી દુષ્કર્મની ઘટનાઓમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જોકે કેન્દ્રની મોદી સરકાર દ્વારા આ એક્ટમાં સંશોધન કરવાની મંજુરી આપ્યા બાદ હવે મોતની સજા ફટકારવામાં આવી શકે છે. 16 વર્ષથી ઓછી વયની છોકરીઓ સાથે થતા રેપના કેસમાં ફટકારવામાં આવતી 10 વર્ષની સજાને વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. જેમાં આરોપીને આજીવન કેદ પણ થઇ શકે છે.