ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની 24 જગ્યાઓ ભરતીમાં 10,300 ઉમેદવારોએ ફોર્મ ભર્યા

સોમવાર, 21 મે 2018 (14:55 IST)
ગુજરાત સરકારનું નામ ભલે રોજગારી સર્જન માટે કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવી રહ્યું હોય પરંતુ હાલ બેરોજગારી એ રાજયનો સળગતો મુદો છે. ગુજરાત હાઈકોર્ટની ખાલી પડેલી ડ્રાઈવરની 24 જગ્યાઓ પરની ભરતીની જાહેરાત સામે 10,300 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાંના 55 ટકા સ્નાતક તથા અનુસ્નાતક છે. જયારે આ પોસ્ટ માટે માત્ર 12 ધોરણ પાસની જ જરૂર રહે છે ત્યારે એલએલબી, એમટેક, એમબીએ તથા એન્જીનીયરીંગની ડીગ્રી ધરાવતા ઉમેદવારોએ ચોથા વર્ગના કર્મચારીની જગ્યા ફરવા માટે ફોર્મ ભર્યા છે જેનો માસિક પગાર 25,000 થાય છે. ઈતિહાસમાં પ્રથમ વખત ડ્રાઈવરની આ જગ્યા માટે સાત મહિલાઓએ ફોર્મ ભર્યા છે.ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 19 ફેબ્રુઆરીએ આપેલી જાહેરાતમાં 15 માર્ચ સુધીમાં ફોર્મ ભરવાનું જણાવાયું હતું, ત્યારે એક મહિનાના સમયગાળામાં 488 એમએ, 101 એમટેક, 20 એમએસસી તથા એલએલબીના 34 ઉપરાંત 94 જેટલા સાયન્સ ગ્રેજયુએટ જેમાં એમઈ તથા એમટેકનો સમાવેશ થાય છે. તેમણે આ ફોર્મ ભર્યા છે. તથા સૌથી વધુ 2900 બીએના વિદ્યાર્થીઓએ તથા 802 બીકોમ, 92 બીએસસી અને 366 ડિપ્લોમા એન્જીનીયરીંગ ભણેલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. જેમાં બીઈ, બીટેક તથા બીસીએના ઉમેદવારોની સંખ્યા પણ મોટી થાય છે.સર્વગ્રાહી અરજદારોના આંકડા જોઈએ તો સ્નાતક, અનુસ્નાતક, એન્જીનીયરીંગના ટેકનીકલ ફીલ્ડ મળીને 5400 ફોર્મ ભરવામાં આવ્યા છે જે કુલ અરજદારોના 55 ટકા થાય છે. જયારે રાષ્ટ્રીય રોજગાર મંત્રાલયના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ગુજરાતમાં બેરોજગારીનો દર દેશમાં સૌથી ઓછો 0.9 ટકા દર્શાવે છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 12,889 લોકોને નોકરી મળી છે જયારે બેરોજગારોની સંખ્યા 4.95 લાખ થાય છે.હાઈકોર્ટની આ નોકરી માટે મહિલા ઉમેદવારોને પણ છૂટ હતી ત્યારે 7 મહિલા ઉમેદવારોએ પણ ડ્રાઈવરની આ પોસ્ટ માટે ફોર્મ ભર્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર