સલામ છે કોરોના વોરીયર પોલિસ જવાનને: એક તરફ પુત્રજન્મની ખુશી, બીજી તરફ લોકડાઉનની વિકટ સ્થિતિમાં બજાવે છે ફરજ

Webdunia
સોમવાર, 6 એપ્રિલ 2020 (11:33 IST)
સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારી સામે સંઘર્ષ કરી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ પૂરી તાકાત અને તૈયારી સાથે કોરોના સામે લડી રહ્યા છે. કોરોના સામેના  જંગમાં લોકડાઉન એકમાત્ર અસરકારક ઉપાય હોવાથી લોકો પોતપોતાના ઘરમાં જ રહે એ માટે ગુજરાતનાં પોલીસકર્મીઓ ૨૪ કલાક ખડેપગે રહીને લોકડાઉનનું કડકપણે પાલન કરાવી રહ્યા છે. સંકટના આ સમયમાં સુરતના પોલીસકર્મીની ફરજનિષ્ઠાનો એક કિસ્સો જાણીને પોલિસના જવાનો પ્રત્યેની તમારી માન્યતા બદલાઈ જશે. પોતાના નિજી જીવન અને પારિવારિક વ્યવહારોનો વિચાર કર્યા વિના લોકોની સુરક્ષા અને લોકડાઉનના ચુસ્તપણે અમલ માટે કર્તવ્યરત આવા પોલિસ જવાનો સાચા કોરોના વોરિયર્સ છે. 
 
મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના હેમુ ગઢવીના ઢાંકણીયા ગામના વતની ૨૭ વર્ષીય જૈમિનદાન ભરતદાન ગઢવી હાલ પોતાના ગામ અને ઘર-પરિવારથી દૂર રહી સુરતના સિંગણપોર પોલિસ સ્ટેશનમાં પોલિસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. વતનમાં તેમના પત્નીએ રામનવમીના પવિત્ર દિવસે સિઝેરિયન ડિલીવરીથી પુત્રને જન્મ આપ્યો હતો. હાલ કોરોનાની દહેશત વચ્ચે લોકડાઉનના અમલ માટે રાતદિન ફરજ નિભાવી રહેલા જૈમિનદાનને પુત્રજન્મના સમાચાર મળતાં તેમની ખુશીઓનો પાર રહ્યો ન હતો. આવા ખુશીના પ્રસંગે સ્વાભાવિકપણે કોઈ પણ પિતાની નવજાત પુત્ર અને પત્નીની દેખરેખ, સારસંભાળ માટે હાજરી હોવી જરૂરી હોય છે. પરંતુ પુત્રજન્મની ખુશીના પ્રસંગનો વિચાર કર્યા વિના માત્ર દેશહિતને તેમણે મહત્વ આપ્યું છે. 
 
તા.૨જી એપ્રિલના રોજ રામનવમીના દિવસે રાત્રે ૧૦.૩૦ વાગ્યે હોસ્પિટલથી તેમના સાસુએ સૌપ્રથમ ફોન કરી પુત્રજન્મના સમાચાર આપ્યાં ત્યારે જૈમિનદાન ડભોલી-જહાંગીરપુરા ફ્લાયઓવર બ્રિજના પોઈન્ટ પર ઓન ડ્યુટી હતા. એ સમયે તેમણે દીકરાનું મુખ વિડિયો કોલ દ્વારા જોયું હતું. ગામથી ૪૦૦ કિ.મી. દૂર વોટ્સએપ કોલથી પોતાના વહાલસોયા દીકરાને પ્રથમ વખત જોઈને તેમણે માતા-પિતા સાથે વાત કરી પત્ની અને દીકરાના ખબરઅંતર પૂછ્યા બાદ તરત જ ફરજ પર પ્રવૃત્ત થઇ ગયા હતા. 
 
લોકડાઉન સમયે લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા અને બહાર ન નીકળવા માટે પોલિસ તંત્ર દ્વારા અપીલ કરાઈ રહી છે, ત્યારે ઘરથી દૂર રહેલા આ પોલિસ જવાન પત્નીની પ્રસુતિની વેદના, હોસ્પિટલનું રોકાણ તેમજ પારિવારિક ફરજ અને પુત્રજન્મની ખુશી ભૂલીને લોકોની સુરક્ષા અને કાયદાના અમલ માટે અવિરત ફરજ નિભાવી રહ્યા છે. પત્ની ગર્ભવતી હોવા છતાં પણ ફિકર કર્યા વગર જનતાના હિત અને કાયદાના પાલન માટે જૈમિનદાન ઉપરી અધિકારીઓ પાસે રજા માંગવા માટે પણ ગયા ન હતા.
 
કર્તવ્યભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડનારા જૈમિનદાન ગઢવીએ જણાવ્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં લોકડાઉનની પરિસ્થિતિ દરમિયાન પોલીસકર્મીઓની ભૂમિકા સૌથી અગત્યની હોય છે. આપણા રાજ્ય અને દેશ પર સંકટનો ઓછાયો હોય ત્યારે લોકોની સુરક્ષા અને કાયદાના પાલન માટે ખડેપગે રહેવું એ અમારૂં પ્રથમ કર્તવ્ય છે. આવા સંજોગોમાં પારિવારિક પ્રસંગો, સામાજિક ફરજો અમારા માટે ગૌણ બની જાય છે. 
 
જીવ જોખમમાં મૂકીને પણ લોકોની રક્ષા કરવી એ અમારી નૈતિક ફરજ છે. મારે ત્યાં પુત્રરત્નનો જન્મ થયો એ આનંદની વાત છે, કારણ કે મારૂ આ પ્રથમ સંતાન છે. પરંતુ સમાજના આરોગ્યમય ભવિષ્ય, દેશહિત અને કોરોનાના ભય વચ્ચે પણ લોકોની સલામતી જળવાઈ રહે એ માટે લોકડાઉનનું કડક પાલન કરાવવું એ મારી પ્રાથમિકતા છે એમ જણાવી જ્યારે લોકડાઉન પૂર્ણ થશે અને પોલિસ વિભાગની પરવાનગી મળશે ત્યારે જ ઘરે જઈશ. 
 
તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાને ફેલાતો અટકાવવા લોકો ઘરમાં જ રહે તે ખુબ જરૂરી છે. દેશના હજારો ડોક્ટરો, નર્સ, મેડિકલ સ્ટાફ, પોલિસ જવાનો અને આરોગ્યકર્મીઓ કોરોના સામેની લડાઇના યોદ્ધાઓ છે, જે ઘરમાં નહીં, ઘરની બહાર રહીને કોરોના વાયરસનો મુકાબલો કરી રહ્યા છે. અમે ત્યારે જ સુરક્ષિત ઘરે જઈ શકીશું, જયારે લોકો ઘરમાં રહેશે. હાલ લોકો પરિવાર સાથે ઘરમાં રહે એ જ સાચી રાષ્ટ્રભક્તિ છે.  
 
જૈમિનદાન વર્ષ ૨૦૧૭માં પોલિસ વિભાગમાં પોલિસ કોન્સ્ટેબલ તરીકે ભરતી થયા હતા. પ્રથમ પોસ્ટિંગ આણંદ ખાતે આપવામાં આવ્યું હતું, ત્યારબાદ સુરતમાં ટ્રાન્સફર થઈને સિંગણપોર પોલિસ સ્ટેશન ખાતે ફરજ પર હાજર થયાને એક મહિનો જ થયો છે. વતનમાં તેમના પિતા ખેતી  સાથે સંકળાયેલા છે. તેમનો નાનો ભાઈ અમરેલી આર.ટી.ઓ.માં ફરજ બજાવે છે.   
 
લોકડાઉન શરૂ થયું ત્યારથી જ અહર્નિશ ફરજ બજાવતા પોલિસના જવાનોનો જુસ્સો વધારવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પણ સી. એમ. ડેશ બોર્ડના માધ્યમથી પોલિસકર્મીઓ સાથે સંવાદ કરી તેમના કામની સરાહના કરે છે. ગુજરાતની જનતા સલામ કરે છે આવા કોરોના વોરિયર્સને જેઓ પરિવાર પહેલા ફરજને પ્રાધાન્ય આપે છે. સાથોસાથ જૈમિનદાનનો નવજાત પુત્ર મોટો થઇને તેના જન્મ સમયની દાસ્તાન પિતાના મુખેથી સાંભળશે ત્યારે પુત્ર પણ ગૌરવ લેશે કે પિતાએ કોરોનાની વિકટ પરિસ્થિતિમાં પણ પોતાની ફરજને પ્રાધાન્ય આપ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article