વિશ્વભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે ગુજરાતમાં પણ ઉહાપોહ મચાવ્યો છે. શરૂઆતમાં ગુજરાતમાં ખૂબ જ ઓછા કેસ સામે આવ્યા હતા. પરંતુ ગત થોડા દિવસોથી કૂદકે ને ભૂસકે કોરોનાના કેસોમાં વધારો થયો છે. ત્યારે ગુજરાતના અમદાવાદને કોરોનાનું હોટસ્પોટ જાહેર કરાયું છે. અમદાવાદમાં કોરોનાથી અત્યાર સુધીમાં 5 લોકોના મોત નીપજ્યા છે અને કુલ 53 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગઇકાલે ગુજરાતમાં એક જ દિવસમાં 20 કેસો નોંધાયા હતા. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના 128 દર્દીઓ થઇ ચુક્યા છે. શહેરમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશનના કેસો વધી રહ્યાં છે. જેથી શહેરના 6 વિસ્તારોને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
અમદાવાદના શાહપુર, બાપુનગર, શાહઆલમ, દરિયાપુર અને જમાલપુરમાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવાની ફરજ પડી છે. આ વિસ્તારમાં અંદાજે 22000 જેટલા વ્યક્તિઓને ક્વોરન્ટાઈ કરવામાં આવ્યા છે. અમદાવાદનો છઠ્ઠો વિસ્તાર ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયો. દાણીલીમડાનો વધુ એક વિસ્તાર ક્લસ્ટર ક્વૉરન્ટઈન કરાયો છે. નૂર અહેમદી મસ્જિદ ખાંચા નજીક રહેતા સઈદ અહેમદ સૈયદને કોરોના પોઝિટિવ આવતા આખી સોસાયટી ક્લસ્ટર ક્વોરન્ટઈન કરાઈ છે. અમદાવાદમાં તબલિગી જમાતના 28 સભ્યોને ક્વોરન્ટાઈન કરાયા છે. દરિયાપુરની મસ્જિદમાંથી ક્વોરન્ટાઈન સેન્ટર લઈ જવાયા છે.
જમાલપુર, શાહઆલમ, કાળુપુર, બાપુનગર વગેરે વિસ્તારોમાં જે સોસાયટી કે પોળમાંથી વધુ પ્રમાણમાં કેસો આવી રહ્યા છે તેની આગળ પતરાં મારીને તેમજ આવ-જા એક જ એન્ટ્રી રાખીને ત્યાં એક કર્મચારીને બેસાડી દેવામાં આવે છે. આ સોસાયટીના પ્રવેશદ્વાર ઉપર લાલ રંગનું સ્ટીકર પણ મારવામાં આવી રહ્યું છે.
ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવેલી સોસાયટીના સભ્યો બહાર નીકળી શકશે નહીં, તેમજ બહારનો વ્યક્તિ અંદર જઈ શકશે નહીં. સોસાયટીના એન્ટ્રી ગેટ સિલ કરાયા છે. ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયેલી સોસાયટીના રહીશોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહોંચાડવામાં આવશે.