જાણો જામનગરમા ડેન્ગ્યૂ ગ્રસ્ત ડોક્ટરોએ કેવી હાલતમાં પરિક્ષા આપી?

Webdunia
મંગળવાર, 15 ઑક્ટોબર 2019 (12:20 IST)
ગુજરાતમાં વરસાદની વિદાય બાદ રોગચાળો વકરી રહ્યો છે. શરદી, તાવ, મેલેરિયા સહિત ડેન્ગ્યૂના કેસોનો આંકડો તેની મર્યાદા વટાવી રહ્યો છે. જામનગરમાં ડેન્ગ્યુ પોઝિટીવ 7 તબીબી વિદ્યાર્થી જી.જી.હોસ્પિટલમાં ખાટલાં પર બાટલા સાથે પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ માટે જી.જી.હોસ્પિટલમાં અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ડેન્ગ્યુની ઝપટમાં આવેલા એમબીબીએસના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા જીવનભર યાદ રહેશે. જામનગરમાં ડેન્ગ્યુના રોગચાળાએ હદ વટાવી છે. જેના કારણે મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતાં અને દર્દીઓની સારવાર કરતાં 31 તબીબી વિદ્યાર્થીઓને પણ ડેન્ગ્યુ પોઝિટીવનો રિપોર્ટ આવ્યો હતો. 31 પૈકી એમબીબીએસના બીજા અને ત્રીજા વર્ષના 7 વિદ્યાર્થીની સોમવારથી પરીક્ષા શરૂ થતાં આ વિદ્યાર્થીઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ ન થતાં જી.જી.હોસ્પિટલમાં ખાસ અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ડેન્ગ્યુમાં સપડાયેલા 7 વિદ્યાર્થીએ ખાટલા પર બાટલા સાથે પરીક્ષા આપી હતી. શરીરમાં અશક્તિ હોવા છતાં પરીક્ષા દીધી હતી. જામનગરમાં ડેંગ્યુના અવિરત ઉપદ્રવ વચ્ચે કમળાની બિમારી પણ જીવલેણ બની હોવાનુ સામે આવ્યું છે. જેમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે રહેતી એક મહિલાનુ કમળાની સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે સોમવારે ડેંગ્યુના વધુ 48 પોઝિટીવ કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે. છેલ્લા એકાદ માસથી રોગચાળાએ માઝા મુકી છે. 

સંબંધિત સમાચાર

Next Article