લોકડાઉનમાં ગુજરાત બહાર જતા લોકોને રોકવા રાહત કેમ્પો બનાવવામાં આવ્યાંઃ DGP

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2020 (17:33 IST)
ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જે તમામ નેગેટિવ આવ્યા છે.
લોકડાઉનની સ્થિતિ અંગે રાજ્ય પોલીસ વડાએ જણાવ્યું કે, બે શહેરોમાં ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે. ગામડાઓમાં સ્થાનિક આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. લોકડાઉનમાં વધુમાં વધુ પોલીસનો ઉપયોગ થાય તે માટે સૂચના આપી છે. ખોટું કારણ બતાવશો તો પોલીસ કડક કાર્યવાહી કરશે. તેમજ અત્યાર સુધી 54 રાહત કેમ્પો પણ શરૂ કરવામાં આવ્યા છે. ગુજરાત બહાર જતા 18 હજાર લોકોને રોકવામાં આવ્યા છે.
આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ આજે કોરોના અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોરોનાને કારણે જે ત્રણ વ્યક્તિઓના કમનસીબ મૃત્યુ નિપજ્યાં છે એ ત્રણેય દર્દીઓ કૉ-મોર્બીડ એટલે કે અન્ય ગંભીર બીમારીઓ જેવી કે કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર કે અન્ય રોગોથી પીડાતી હતી. એટલું જ નહીં એ ત્રણેય દર્દીઓ મોટી વયના હતા. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, આપણા ઘરોમાં વૃદ્ધો- વડીલો હોય તેમણે વિશેષ કાળજી લેવાની આવશ્યકતા છે. ઘરમાં પણ આ વડીલો ક્વૉરેન્ટાઈનમાં રહે એ વિશેષ આવકાર્ય છે.
ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અત્યારે કોરોનાના 44 પોઝિટિવ દર્દીઓ છે. જે પૈકી અમદાવાદમાં 15, સુરતમાં 7, રાજકોટમાં 5, વડોદરામાં 8,ગાંધીનગરમાં 7 અને ભાવનગર તથા કચ્છમાં એક-એક પોઝિટિવ દર્દીઓ છે. ગુજરાતના 44 પોઝિટિવ દર્દીઓ પૈકીના 36 દર્દીઓ આંતરરાષ્ટ્રીય મુસાફરી કરીને આવેલા છે.
જ્યારે અન્ય 18 દર્દીઓ પૈકીના 16 દર્દીઓ એવા છે જે આ આંતરરાષ્ટ્રીય મુસાફરોના સીધા સંપર્કમાં આવ્યા હોય. બે દર્દીઓ એવા છે જેમણે આંતરરાજ્ય મુસાફરી કરી હતી. આ વ્યક્તિઓ સાથે સીધા સંપર્કમાં આવેલા તમામ લોકોની પણ કાળજી લેવામાં આવી રહી છે. આવા લોકો એટલે કે ક્વોરેન્ટાઈન વ્યક્તિઓને 14 દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article