અમદાવાદમાંથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી મળી આવતા ચારે બાજુ ભયનો માહોલ સર્જાયો છે. બીજી બાજુ અમદાવાદ રથયાત્રાના એક દિવસ આડે જ બોમ્બની સામગ્રી મળી આવતા પોલીસ સફાળી થઈ છે. ઉલ્લેખનીય છે કે ગોમતીપુરના એક કુખ્યાત બુટલેગર શફીક સંધી ઉર્ફે ગુડ્ડુ હવાલદારના ઘરે મોટા પ્રમાણમાં વિસ્ફોટક સામગ્રી એકત્ર કરવામાં આવી હોવાની પોલીસની માહિતી મળી હતી. જેના આધારે ગોમતીપુર અને રખિયાલ પોલીસની ACP અને PI સહિતની ટીમે રેડ કરી હતી. પોલીસે ગોમતીપુર ટોલનાકા નજીકના શફીક સંધીના ઘરે રાત્રે પોલીસને 32 બોર ની પિસ્તોલ, 4 સુતળી બૉમ્બ, 10 પાઈપ બૉમ્બ, 5 કાચની બોટલ અને 1 લીટર કેરોસીન મળી આવ્યું છે. પોલીસે ગુડ્ડુ નામના શખ્સની ધરપકડ પણ કરી છે.
જોકે આ હથિયારોના ઉપયોગને લઈને કોઈ જ માહિતી હજી સુધી બહાર આવી નથી. આ ઘટનાના પગલે શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓના કાન ખડા કરી દીધા છે. જગન્નાથયાત્રામાં તૈનાત 25000થી વધારે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે ત્યારે જ આ ઘટના બનતા આખા પોલીસ બેડા ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.