ગણેશ વિસર્જન શાંતિપુર્ણ રીતે થાય તે માટે સુરત શહેર પોલીસ સજ્જ ૧૫ હજાર જેટલા પોલીસ અધિકારી-જવાનો ખડેપગે ફરજ બજાવશે

Webdunia
ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2023 (12:16 IST)
ganesh visarjan

 અનંત ચૌદશના દિવસે સુરત શહેરમાં ગણેશ વિસર્જન શાંતિપુર્ણ માહૌલમાં સંપન્ન થાય તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરના માર્ગદર્શન હેઠળ ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સુરત પોલીસ વિભાગના સુત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શહેરના વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે  સુરત શહેર બે જોઈન્ટ પોલીસ કમિશનર સહિત એડિશનલ સીપી ક્રાઈમ ઉપરાંત ૧૨ એસ.આર.પી., ૧ આર.એ.એફ., ૧ બી.એસ.એફ ની સુરક્ષા દળોની ટૂકડી બંદોબસ્તમાં તૈનાત કરાઇ છે. તેમજ ૧૬ એસ.પી, ૩૫ એ.સી.પી. ૧૦૬ પી.આઈ., ૨૦૫ પી.એસ.આઇ. ૪૨૦૬ પોલીસ અને ૫૫૩૩  હોમગાર્ડના જવાનો સહિત ૧૫ હજાર જેટલા  અધિકારીઓ-પોલીસ કર્મીઓ ખડેપગે ગણેશ વિસર્જન યાત્રા  દરમિયાન ફરજ બજાવશે.
 
        પોલિસ વિભાગ દ્વારા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ થશે જેમાં બોડી વોર્ન કેમેરા, રિફલેક્ટિવ જેકેટ, ડ્રોન જેમાં ઇલેકટ્રોનિક સાધનો ઉપયોગ પણ થશે. જ્યારે ધાબા પોઇન્ટ સહિત ડ્રોન કેમેરા અને સીસીટીવી ફૂટેજથી તમામ ગતિવિધિઓ પર પોલીસની બાજ નજર રહેશે. જેમાં દરેક ધાબા પોઇન્ટ પર પોલીસ જવાનો તૈનાત રહેશે.
         સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા આપવમાં આવેલી વિગત અનુસાર  સુરત શહેરમાં ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઇ પોલીસનો પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં વહેલી તકે ગણેશ આયોજકો દ્વારા વિસર્જન યાત્રા કાઢવામાં આવે તે પ્રકારનું આયોજન કરાયું છે. વિસર્જન યાત્રા દરમિયાન ડી.જે વગાડવા સહિતની ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સુરત શહેરમાં ૨૦ થી વધુ કુત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જેમાં પણ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં આવશે.
ganesh visarjan
         સુરત શહેરમાં ગણેશ વિસર્જનને લઇ સુરત શહેર પોલીસ દ્વારા તમામ કૃત્રિમ તળાવો, વિસર્જન રૂટ સહિત હજીરા અને ડુમસ દરિયા કિનારાના ઓવારા પર પણ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. નવ દિવસ સુધી દુંદાળા દેવની ભક્તિભાવ પૂર્વક પૂજા અર્ચના કર્યા બાદ આવતી કાલે ભક્તો દ્વારા ભાવભીની આંખે વિદાય આપવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા ગણેશ વિસર્જન અંગેના ટ્રાફિક  નિયમન જળવાય રહે તે માટેના વિવિધ રૂટો અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.         
 શહેરમાં ૮૦  હજાર જેટલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના ગણેશ આયોજકો દ્વારા કરવામાં આવી  છે. ઉંચી પ્રતિમાઓ પોતાના ચોક્કસ વિસર્જન રૂટ ઉપરથી પસાર થાય અને પોલીસને પણ તેની જાણકારી મળી રહે તે માટે ખાસ જીપીએસ સિસ્ટમ આવી પ્રતિમાઓ માટે મુકવામાં આવી છે. વિસર્જન યાત્રા દરમિયાન છેડતી, ચેઇન અને મોબાઈલ સ્નેચિંગ જેવા બનાવો ન બને તે માટે પણ  શહેર પોલીસની બાજ નજર રહેશે. તેમજ વિસર્જનના તમામ રૂટો પર સુરત શહેર પોલીસ દ્વારા માર્ચ પાસ્ટ પણ યોજાઇ હતી.

સંબંધિત સમાચાર

Next Article