રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિની આવતીકાલે ઉજવણી થવાની છે. સરકાર, કોંગ્રેસ જેવા વિપક્ષે અનેકવિધ કાર્યક્રમો રાખ્યા છે. પરંતુ ગમે તેવી પરિસ્થિતિમાં ચટાનની જેમ ગાંધીની પડખે ઉભા રહેનારા તેમના પત્ની કસ્તુરબાનું સ્મારક જન્મભૂમિમાં જ વિસરાય રહ્યું છે.
રાજકોટથી 15 કિલોમીટર દુર ત્રંબા ખાતે આવેલા સ્મારક કસ્તુરબાધામની જાળવણી તરફ કોઈ લક્ષ્ય આપવામાં આવતુ નથી. 1939ના સત્યાગ્રહ વખતે કસ્તુરબાને આ સ્થળે નજરકેદ રાખવામાં આવ્યા હતા. 11 ફેબ્રુઆરીથી 6 માર્ચ 1939 દરમ્યાન બ્રિટીશરોએ તેમને નજરકેદ રાખ્યા હતા. આ સ્થળ વાસ્તવમાં દરબારનો બંગલો હતો અને પછી મ્યુઝીયમમાં રૂપાંતરિત કરાયુ હતું.
કસ્તુરબાધામની અત્યારની હાલત ચકાસવામાં આવે તો બેકાર છે. બંગલાની દિવાલ પર ભારે વરસાદને કારણે ભેજ-લુણો લાગી ગયો છે. 12 એકરમાં પથરાયેલુ આ સ્થળ રાષ્ટ્રપિતાનું પસંદગીનું હતું જયાં ચરખા ચાલતા હતા.
પોસ્ટઓફિસ તથા બેંક પણ હતી. અત્યારે ખંઢેર જમીન સિવાય કાંઈ નથી. કસ્તુરબાધામનો વહિવટ ચલાવતા મોહનભાઈ પરમારે તો ગર્ભિત રીતે એમ પણ કહ્યું કે કેટલાંક તત્વો જમીન હડપ કરવાની વેતરણમાં પણ છે.
2002માં મ્યુઝીયમમાંથી રાષ્ટ્રપિતા ગાંધીજીની કેટલીક અલભ્ય ચીજોની ચોરી થઈ હતી તેના હજુ કોઈ સગડ નથી. કસ્તુરબાધામના મેનેજર જયસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદમાં ટ્રસ્ટી પ્રવિણ આહ્યાનું નામ આપ્યું હતું. ગાંધીજીના ચશ્મા, સેન્ડલ, થાળી-વાટકા લઈને અમેરિકામાં હરરાજી કરી નાખ્યાનો આરોપ લગાવ્યો હતો. ચેરીટી કમિશ્ર્નર સમક્ષ પણ લેખિત સોગંદનામુ રજુ કર્યુ હતું છતાં તે હજુ તપાસના તબકકે જ છે.
કસ્તુરબાધામમાં હાલ સ્કુલ છે. ધો.9 અને 10ના એક-એક કલાસ છે. ખખડધજ ઈમારતમાં 110 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આઘાતજનક બાબત એ છે કે આ ઐતિહાસિક સ્થળના વહિવટ મામલે પણ કોઈ ચોખવટ નથી. ચેરીટી કમિશ્ન્રર સમક્ષ ટ્રસ્ટીઓના નામ ઉમેરવાની ત્રણ-ત્રણ અરજી પેન્ડિંગ છે. ટ્રસ્ટી બનવા માંગતા એકબીજાના વિરોધીઓ છે.
ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીયશાળા મારફત કસ્તુરબાધામનો વહિવટ ચાલતો હતો. આ જમીન પર હવે રાષ્ટ્રીય શાળા પણ દાવો કરે છે. રાષ્ટ્રીય શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ભટ્ટે કહ્યું કે ચેરીટી કમિશ્ર્નરે તાજેતરમાં પુછાણ કર્યુ હતું અને ત્યારે કસ્તુરબાધામની જમીન રાષ્ટ્રીય શાળાની હોવાનું માલુમ પડયુ હતું. દસ્તાવેજો ચકાસવામાં આવ્યા હતા તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કસ્તુરબાધામનો રોજબરોજનો વહિવટ રાષ્ટ્રીય શાળાને સોંપાયો હતો. યોગ્ય નિર્ણય લેવા ચેરીટી કમિશ્ર્નરને કહેવાયુ છે.