જામનગર-ખંભાળિયા હાઇવે પર અકસ્માતમાં ચાર લોકોનાં મોત, સગાઈના પ્રસંગમાંથી આવી રહ્યો હતો પરિવાર

Webdunia
ગુરુવાર, 11 મે 2023 (23:52 IST)
જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અક્સમાતમાં ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ત્રણ લોકો ઘાયલ થતાં સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે. મોરબીનો સતવારા પરિવાર પોતાના પુત્રની સગાઈ કરવા માટે આજે ખંભાળિયા ગયો હતો. ત્યાં સગાઈ કરી પરત ફરી રહ્યો હતો ત્યારે જ ખટિયા ગામના પાટિયા પાસે સામેથી આવી રહેલી એક અન્ય કાર સાથે ટક્કર થતાં જેની આજે સગાઈ હતી તે યુવક સહિત ચાર લોકોનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતાં સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

મોરબીમાં રહેતા ખાણધર પરિવારના પુત્રની આજે ખંભાળિયામાં સગાઈનો પ્રસંગ હતો. જેથી પરિવારના સભ્યો કારમાં સવાર થઈ ખંભાળિયા ગયા હતા. ખંભાળિયા સગાઈની વિધિ પૂર્ણ કર્યા બાદ જામનગર તરફ સ્વીફ્ટ કારમાં જઈ રહ્યા હતા ત્યારે સામે તરફથી પૂરપાટઝડપે આવી રહેલી વોક્સવેગન કાર ડીવાઈડર કૂદી બીજી તરફ આવી ગઈ હતી અને સ્વીફ્ટ કાર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે આજે જેની સગાઈ હતી તે ચેતન ખાણધર તેમના બહેન મનીષાબહેન, રીનાબેન ખાણધર અને અન્ય એક વ્યકિત મળી કુલ ચાર લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.સતત ટ્રાફિકથી ધમધમતા જામનગર-ખંભાળિયા હાઈવે પર બે કાર વચ્ચે થયેલા અકસ્માતના કારણે કારના ફૂરચે ફૂરચા નીકળી ગયા હતા. કારમાં ઘાયલ થયેલા લોકોને આસપાસથી દોડી આવેલા લોકોએ બહાર કાઢ્યા હતા. 108ની ટીમને જાણ કરાતા 108ની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઘાયલોને જામનગર સારવાર માટે ખસેડ્યા હતા. અક્સમાતના પગલે ટ્રાફિકજામ થતા પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article