ગુજરાતમાં સુરતની ઘટના બાદ ફાયર સેફ્ટીને લઈ સરકાર સફાળી જાગી હતી ત્યારે ગુજરાતમાં ૨૦૧૭-૨૦૧૮માં આગના લગભગ ૭૩૩૦ બનાવ બન્યાં હોવાનું સામે આવ્યું હતું, જેમાં સૌથી વધુ આગના બનાવો ફાયર કોલ મુજબ ૨૧૨૩ જેટલા અમદાવાદ શહેરમાં બન્યા હતા. ૨૦૧૭-૧૮માં અમદાવાદમાં સૌથી વધારે નવરંગપુરા ફાયર સ્ટેશન વિસ્તારમાં આગના બનાવ નોંધાયા હતા, જેમાં કરોડ રૂપિયાની મિલકતોનું નુકસાન થયું હતું. રાજ્યમાં દરરોજ ૨૧ જેટલા આગના બનાવોમાં ટકાવારીની દૃષ્ટિએ જોઇએ તો ગુજરાતમાં બનેલા આગના બનાવોમાં ૩૧ ટકાથી વધુ બનાવો તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધાયા હતા. ૨૦૧૭-૧૮ દરમિયાન રાજ્યમાં કુલ ૧૯૩ લોકોને બચાવી લેવાયા હતા. જ્યારે ૯૯ લોકોના મોત નીપજ્યાં હતા. અમદાવાદ શહેરમાં ૨૦૧૭-૧૮ના વર્ષ દરમિયાન બનેલી આગની ઘટનામાં રૂ. ૬૯.૨૦ કરોડનું નુકસાન થયું હતું અને ૩૫ લોકોના મોત થયા હતા. જોકે, ફાયરબ્રિગ્રેડે ૯૬ જણાને રેસ્કયુ કરીને ૮૩.૭૭ કરોડની માલ-મિલકત બચાવવામાં આવી હતી.