ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી અંગે કોંગ્રેસની અરજી પર સુપ્રીમે ચૂંટણી પંચનો જવાબ માંગ્યો

બુધવાર, 19 જૂન 2019 (15:58 IST)
સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો પર અલગ અલગ સમયે ચૂંટણી યોજવા સામેના નિર્ણયને પડકારતી કોંગ્રેસે કરેલી અરજીની સુનાવણી હાથ ધરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારીને તેમનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે પંચને છ દિવસની અંદર આ મામલે જવાબ રજૂ કરવા જણાવ્યું છે. સુપ્રીમમાં હવે આ અરજી પર 25 જૂનના વધુ સુનાવણી યોજાશે.
સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચના જજ દીપક ગુપ્તા તેમજ જજ સૂર્યા કાંતે કોંગ્રેસની અરજી પર સુનાવણી કરી હતી. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની 2019ની લોકસભામાં વિજયી બનતા તેમની બે બેઠકો ખાલી પડી છે. ચૂંટણી પંચે 5 જૂને જાહેર કરેલી નોટિસમાં બન્ને બેઠકો પર અલગ અલગ સમયે જુદા જુદા બેલેટથી મતદાન યોજવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો. 
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ ચૂંટણી પંચના આ નિર્ણયને પડકારતી એક અરજી સોમવારે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અને અરજી પર તાત્કાલિક સુનાવણી કરવા અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે આજરોજ સુનાવણી દરમિયાન ચૂંટણી પંચને પોતાનો જવાબ 24 જૂન સુધીમાં કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ આપ્યો હતો. આ કેસમાં વધુ સુનાવણી 25 જૂનના રોજ યોજાશે.
કોંગ્રેસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ વિવેક તનખાએ જણાવ્યું હતું કે, ‘અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ આપેલા ચુકાદાઓ અમારી તરફેણમાં છે.’ આ મામલે સુપ્રીમ કોર્ટની બેન્ચે જણાવ્યું હતું કે, ‘અમે હાલમાં કંઈજ કહી શકીએ નહીં. અમારે એ નક્કી કરવું પડશે કે આ એક અસ્થાયી ખાલી બેઠક છે કે વૈધાનિક ખાલી બેઠક છે. આ બાબતે સુનાવણી જરૂરી છે.’

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર