અમદાવાદ સહિત રાજ્યભરમાં વાયરલ કન્ઝેક્ટિવાઈટિસ એટલે કે આંખો આવવાના કેસનો રાફડો ફાટ્યો છે, ગુજરાતમાં અત્યાર સુધીમાં આંખો આવવાના ૨.૩૦ લાખ જેટલા કેસ નોંધાયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં અંદાજે ૫૧ હજારથી વધુ કેસ છે.
ગુજરાતમાં છેલ્લા ચારેક દિવસથી આંખો આવવાના રોજના અંદાજે ૧૮થી ૨૦ હજાર કેસ નોંધાઈ રહ્યા છે. એકંદરે કેસની સંખ્યામાં જંગી ઉછાળો નોંધાયો છે. બીજી તરફ રાજ્ય સરકારના પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, વાયરલ કન્ઝેક્ટિવાઈટિસની દવાઓ અને આંખના વિવિધ ટીપાંનો રાજ્ય સરકાર પાસે પૂરતો સ્ટોક છે.આંખમાં દુઃખાવો, લાલાશ આવવી, ચેપડા વળે, આંખમાંથી પાણી નીકળે જેવા લક્ષણો સાથેના દર્દીઓની સંખ્યા જાણે રોજ નવા રેકર્ડ સર કરી રહી છે,
ગુજરાતમાં એકાદ દિવસ પહેલાં કન્ઝેક્ટિવાઈટિસના ૨.૧૭ લાખ જેટલા કેસ હતા. એ પછી નવા ૧૩ હજાર જેટલા કેસ સામે આવ્યા હતા, આ સંખ્યા વધીને હવે ૨.૩૦ લાખ આસપાસ પહોંચી છે. એ પહેલાં ચારેક દિવસથી અંદાજે ૧૮થી ૨૦ હજાર જેટલા નવા કેસ સામે આવ્યા છે. આંખમાં સોજો આવે તે સહિતના ટીપાંનો સ્ટોક પણ રાજ્ય સરકાર પાસે પૂરતો હોવાનો દાવો કરાયો છે. પરિવારમાં એક સભ્યને આંખો આવી હોય તો બીજા સભ્યોને પણ તૂર્ત જ ચેપ લાગી જાય છે.
સૂત્રો કહે છે કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં ૫૧ હજાર જેટલા કેસ આવ્યા છે, એ જ રીતે ભરૂચ જિલ્લામાં ૧૨ હજાર, આણંદ જિલ્લામાં ૧૦ હજાર, વડોદરામાં ૧૦ હજાર અને સુરતમાં અંદાજે ૫ હજાર કરતાં વધારે કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યભરમાં આંખો આવવાના કેસનો રાફડો ફાટતાં બજારમાં કાળાં ચશ્માના વેચાણમાં ઉછાળો નોંધાયો છે, સાથે જ આંખના ટીપાંના વેચાણમાં પણ ઉછાળો થયો છે. સતત ભેજવાળું વાતાવરણ રહેવાના કારણે કેસની સંખ્યા વધી રહી છે. તબીબોનું કહેવું છે કે, જો બાળકને આંખો આવી હોય તો સ્કૂલે ન મોકલવા જોઈએ. અમદાવાદ સિવિલની આંખની હોસ્પિટલમાં પણ રોજ અંદાજે ૨૫૦ કરતાં વધુ જ્યારે સોલા સિવિલ ખાતે ૧૦૦ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તબીબોનું કહેવું છે કે, સ્ટીરોઈડ ટીપાં નાખવા ન જોઈએ, નહિતરને આંખને નુકસાન થઈ શકે તેમ છે. ડોક્ટર સલાહ આપે તે જ ટીપાંનો ઉપયોગ કરવો હિતાવહ છે. વાયરલ કન્જેક્ટિવાઈટિસ થયો હોય તો જરૂરી કામ સિવાય બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આમાં વ્યક્તિગત સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે.