અત્યાર સુધી સંજીવ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ ન કરાયા હોવાની તેમના વકીલ દ્વારા રજૂઆત કરાઈ
ગુજરાતમાં 2002ના રમખાણો બાદ તત્કાલિન મુખ્યમંત્રી મોદી અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કરનાર તિસ્તા સેતલવાડ, પૂર્વ DGP આર.બી. શ્રી કુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ સામે SITની તપાસ ચાલુ છે. આજે સેશન્સ કોર્ટમાં આ કેસની વધુ સુનાવણી હાથ ધરાઈ હતી. આ કેસમાં આરોપી પૂર્વ IPS સંજીવ ભટ્ટને અમદાવાદ લાવવા અરજી કરવામાં આવી છે. અત્યારે સંજીવ ભટ્ટ પાલનપુર જેલમાં છે જ્યાંથી અમદાવાદ જેલ ખસેડવા અરજીમાં માંગ કરાઈ છે.
આ કેસ જ્યારથી નોંધાયો ત્યારથી લઈને અત્યાર સુધી સંજીવ ભટ્ટને કોર્ટ સમક્ષ રજૂ ન કરાયા હોવાની તેમના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ કેસમાં 5000થી વધુ પેજના રેકર્ડમાં કરાયેલ આરોપ મામલે પણ વાતચીતની જરૂર હોવાની વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. જો કોર્ટ તેમ ન કરવા જણાવે તો વાતચીત કરવા પાલનપુર જેલ જવા મંજૂરી આપે તેવી વકીલે માંગ કરી હતી. અગાઉ સેશન્સ કોર્ટની સુનવણીમાં ચાર્જફ્રેમ પ્રક્રિયામાં સતત ગેરહાજર રહેનાર આર.બી શ્રીકુમારે ડિસ્ચાર્જ અરજી ફાઈલ કરીને પોતાને દોષમુક્ત કરવા માંગ કરી હતી.
આ મામલે 5 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે
આર.બી.શ્રી કુમાર દ્વારા રજૂઆત કરાઈ હતી કે તેમની સામે કોઈ કેસ બનતો નથી. પૂર્વગ્રહ રાખીને તેમની સામે ફરિયાદ થઈ છે. આર. બી શ્રીકુમારની આ ડિસ્ચાર્જ અરજી મામલે સરકારી વકીલે વિરોધ કર્યો હતો. આર.બી.શ્રીકુમારને આ કેસમાંથી રાહત ન આપવા રાજ્ય સરકાર વતી સરકારી વકીલે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી. હવે આ સમગ્ર મામલે 5 જૂનના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.