Corona updates Gujarat - કોરોના વાયરસના પગલે

Webdunia
શુક્રવાર, 27 માર્ચ 2020 (10:05 IST)
Corona updates Gujarat - કોરોના વાયરસના પગલે 
લોકડાઉનના સમયગાળા દરમિયાન રાજ્યમાં આવશ્યક ચીજવસ્તુઓ-સેવાઓ 
વિનાવિઘ્ને નાગરિકોને મળી રહે તે માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી* 
......
*ગાંધીનગરમાં 
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત 
......
-: હેલ્પલાઇન ૧૦૭૦ – ૦૭૯-ર૩ર૫૧૯૦૦ પર નાગરિકો સંપર્ક સાધી શકશે :- 
......
*દૂધ-શાકભાજી-ખાદ્યાન્નના પુરવઠાની સપ્લાય ચેઇન ખોરવાય નહિ તે માટે
 માઇક્રો પ્લાનીંગ કરતી રાજ્ય સરકાર*
......
મુખ્યમંત્રીશ્રીના સચિવ – અન્ન નાગરિક પુરવઠા સચિવ-સહકાર સચિવે જિલ્લા પુરવઠાતંત્રો સાથે વિડીયો કોન્ફરન્સ કરી માર્ગદર્શન આપ્યું
....... 
વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાયરસની સ્થિતીમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના નાગરિકોને સુરક્ષિત રાખવા ર૧ દિવસનો લોકડાઉન જાહેર કર્યો છે. 
ગુજરાતમાં આ લોકડાઉનના દિવસો દરમિયાન રાજ્યના સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, અનાજ, દાળ, કરિયાણું વગેરે કોઇ પણ જાતની મુશ્કેલી વિના સરળતાએ મળી રહે તેવું સુદ્રઢ આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યુ છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના હરેક નાગરિકો-પરિવારોને આવી જીવનજરૂરી ચીજવસ્તુઓ બેરોકટોક મળતી રહે તે માટે જિલ્લાના પુરવઠા તંત્રને સતત મોનિટરીંગ કરવા પ્રેરિત કર્યુ છે. 
શ્રી વિજયભાઇ રૂપાણીના આ દિશાનિર્દેશોને પગલે મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમાર, સહકાર સચિવ શ્રી મનિષ ભારદ્વાજ અને અન્ન નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદે રાજ્યના બધા જ જિલ્લાના પુરવઠા અધિકારીઓ, જિલ્લા સહકારી મંડળીઓના રજિસ્ટ્રારશ્રીઓ સાથે ગાંધીનગરમાં વિડીયો કોન્ફરન્સ કરીને આવી સપ્લાય ચેઇન સુપેરે ચાલે તે માટે માઇક્રો પ્લાનીંગને આખરી ઓપ આપ્યો હતો. 
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ અંગેની વિગતો આપતાં જણાવ્યું કે, રાજ્યમાં જીવન આવશ્યક ચીજવસ્તુઓ નાગરિકોને પર્યાપ્ત માત્રામાં અને સરળતાએ મળી રહે તે માટે સંપૂર્ણ તકેદારી અને મોનિટરીંગ માટે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SOEC ખાતે એક 24x7 સેન્ટ્રલાઇઝડ કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. 
આ કંટ્રોલરૂમની હેલ્પલાઇન નંબર-૧૦૭૦ તથા ૦૭૯-૨૩૨૫૧૯૦૦ પર સંપર્ક સાધીને નાગરિકો જરૂરી વિગતો મેળવી શકે છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.  
શ્રી અશ્વિનીકુમારે રાજ્યમાં શાકભાજીની આવક અને ખપતની વિગતો આપતાં કહ્યું કે, ગુરૂવારે સવારે રાજ્યની શાકભાજી મંડળીઓ-માર્કેટમાં પ૯ હજાર કિવન્ટલ શાકભાજીની આવક રહી છે. ૧૩૬૫૫ કિવન્ટલ બટાટા, ૪૩પ૦ કિવન્ટલ ડુંગળી, ૬૯૦૦ કિવન્ટલ ટમેટા અને ૩૪૦૦૦ કિવન્ટલ લીલા શાકભાજી રાજ્યના નાગરિકોના વપરાશ માટે ઉપલબ્ધ થયેલા છે. 
સમગ્ર રાજ્યમાં ૬૮ જેટલા શાકભાજી માર્કેટ કાર્યરત છે તેમજ ચૈત્રી નવરાત્રિના આ પર્વ દરમિયાન ઉપવાસ-વ્રત રાખનારા લોકોને અગવડતા ન પડે તે માટે પુરતા ફળફળાદિ પણ બજારમાં ઉપલબ્ધ છે તેની વિગતો મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ આપી હતી. 
તેમણે કહ્યું કે, રાજ્યમાં ૬૧૦ કિવન્ટલ કેળાં, ૯૭૦ કિવન્ટલ સફરજન અને ૧૧૦૦ કિવન્ટલ અન્ય ફળફળાદિ સહિત ર૬૮૦ કિવન્ટલ ફળોની આવક માર્કેટમાં થાય છે. 
શ્રી અશ્વિનીકુમારે સ્પષ્ટપણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ કરેલા સંવેદનાસ્પર્શી નિર્ણયની ફલશ્રુતિ રૂપે ૬૦ લાખથી વધુ પરિવારોના ૩.રપ કરોડ જેટલા લોકોને એપ્રિલ-ર૦ર૦માં સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો દ્વારા વિનામૂલ્યે અપાનારા ઘઉં, ચોખા, ખાંડ, દાળ અને મીઠાની પણ સરળતાએ ઉપલબ્ધિનું માઇક્રો પ્લાનીંગ પુરવઠા વિભાગે કરી દીધું છે.
 
રાજ્યના નાગરિકો – જનતા જનાર્દનને દૂધ પણ પૂરતું અને સરળતાએ મળી રહે તેવા આયોજન સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ કહ્યું કે રાજ્યમાં દૈનિક પપ લાખ લીટર પાઉચનું વિતરણ થઇ રહ્યું છે. તમામ જિલ્લામાં આ દુધ વિતરણ સુનિશ્ચિત કરવા તેમજ દૂધ વિતરણ કેન્દ્રો કાર્યરત રહે તે માટે જિલ્લા પુરવઠા તંત્રને તાકીદ કરવામાં આવી છે. 
આ દૂધ સપ્લાય ઉપરાંત જરૂર જણાયે દૂધના ટ્રેટા પેક પાઉચ અને સ્કીમ્ડ મિલ્ક પાવડર પણ મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે એમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. 
મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રીએ જણાવ્યું કે, રાજ્યમાં આ મહામારી સામે રક્ષણાત્મક રોગ નિયંત્રણ પગલાં આવશ્યક સેવાઓ અને જીવનજરૂરી ચીજવસ્તુ સપ્લાય સહિતની સમગ્ર કામગીરીના સુચારૂ સંચાલન માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કાર્યરત કરાયેલા કંટ્રોલરૂમમાં સંબંધિત વિભાગોના સંકલન-માર્ગદર્શન માટે પાણી પુરવઠા સચિવશ્રી ધનંજ્ય દ્વિવેદી અને આદિજાતિ વિકાસ સચિવ શ્રી અનુપમ આનંદને જવાબદારી સોંપવામાં આવી છે. તેમણે કહ્યું કે, સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આરોગ્ય વિભાગનો કંટ્રોલરૂમ છે જ તે ઉપરાંત, અન્ન-નાગરિક પુરવઠો, પોલીસ, વાહન વ્યવહાર, બંદરો, સાયન્સ ટેકનોલોજી શહેરી વિકાસ, પંચાયત અને ઊદ્યોગ વિભાગના અધિકારીઓ પણ 24x7 કાર્યરત છે. 
આ વિભાગોના એક એક નોડલ ઓફિસર્સની સંકલન માટે નિમણૂંક કરવામાં આવી છે તેમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. 
સહકાર સચિવ શ્રી મનિષ ભારદ્વાજ, અન્ન નાગરિક પુરવઠા સચિવ શ્રી મોહમદ શાહિદ તેમજ નાગરિક પુરવઠા નિગમના કાર્યકારી એમ.ડી. શ્રી તુષાર ધોળકીયા, સહકારી મંડળીઓના રજીસ્ટ્રાર શ્રી ડી.પી. દેસાઇ વગેરે પણ આ વેળાએ જોડાયા હતા.

સંબંધિત સમાચાર

Next Article