લૉકડાઉન દરમ્યાન ગુજરાતમાં દૂધ, શાકભાજી, ખાદ્યચીજોનો પુરવઠો જાળવી રાખવા તંત્રએ ઉપાડ્યાં આ પગલા

ગુરુવાર, 26 માર્ચ 2020 (20:22 IST)
વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા 21 દિવસના જાહેર થયેલા લૉકડાઉનની સ્થિતિમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં આ હેતુસર મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે આ નિર્ણયોની ભુમિકા આપતાં જણાવ્યું કે રાજ્યમાં સૌ નાગરિકોને દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણું સુચારૂ રીતે હાલ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થઇ રહ્યું છે. આ વ્યવસ્થા જળવાઇ રહે અને દૂધ વિતરણમાં કે શાકભાજી ફળફળાદિના પુરવઠામાં વિપરીત અસર ન પડે તે માટે રાજ્યના બનાસડેરી, સુમુલ, સાબર, પંચમહાલ અમૂલ ડેરી સહિત 18 જેટલા મોટા દૂધ સંઘો પર દૂધની આવક અને વિતરણ વ્યવસ્થા પર દેખરેખ અને સંકલન માટે રાજ્ય સરકારના અધિકારીની નિયુક્તિ કરવામાં આવશે. તેમણે આ સંદર્ભમાં વધુ વિગતો આપતાં ઉમેર્યું કે, રાજ્યમાં દૈનિક 3 કરોડ લીટર દૂધની આવક છે અને અંદાજે 55 લાખ લીટર દૂધના પાઉચ વિતરણ થાય છે. રાજ્યમાં આવેલા દુધ પાર્લર પરથી આ વિતરણ નિયમીત ચાલતી રહેશે અને આવનારા દિવસોમાં દૂધનો પૂરવઠો પર્યાપ્ત માત્રામાં મળતો રહેશે. ગુજરાતમાં દૈનિક 53 હજાર ક્વીન્ટલથી વધુ શાકભાજીની આવક રહે છે. તેમાં મુખ્યત્વે લીલા શાકભાજી, બટાકા, ડુંગળી અને ટામેટાનો જથ્થો હોય છે. આ શાકભાજી તેમજ ચૈત્રી નવરાત્રિના શરૂ થયેલા પર્વમાં ઉપવાસ વ્રત કરનારાઓ માટે ફળફળાદિ સરળતાએ મળે તે માટે રાજ્યની 75 જેટલી છઁસ્ભમાં સહકાર વિભાગના સચિવની આગેવાનીમાં અધિકારીઓ દેખરેખ રાખશે. બટેટા અને ડુંગળી જેવા શાકભાજી માટે કોલ્ડ સ્ટોરેજ વ્યવસ્થાનું પણ યોગ્ય સંકલન કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગુજરાતમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર જેવા પડોશી રાજ્યોમાંથી પણ શાકભાજીનો જથ્થો આવે છે. આ જથ્થો પણ નિયમિત આવતો રહે, તે લઇને આવનારા વાહતુક વાહનોને કોઇ સમસ્યા ન નડે તે માટે મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના મુખ્ય સચિવશ્રીને જે તે સંબંધિત રાજ્યના મુખ્ય સચિવ સાથે સંપર્કમાં રહીને વ્યવસ્થા જળવાય તેની સૂચનાઓ આપી છે. આવા શાકભાજી, ફળફળાદિ રાજ્યમાં નગરો-શહેરો-ગામોમાં લઇ જતા વાહનો-ફેરિયાઓને પણ કોઇ મુશ્કેલી ન પડે તે માટે રાજ્યના પોલીસ મહાનિદેશક સાથે સંકલન સાધવામાં આવશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર