સજા આપવા શિક્ષકે વિદ્યાર્થીનું દબાવ્યું ગળુ, માતા-પિતા પહોંચ્યા ઇન્સ્ટિટ્યૂટ

Webdunia
સોમવાર, 29 જુલાઈ 2019 (14:33 IST)
સાંકેતિક ફોટા
 

અમદાવાદ: શહેરના એક જાણીતા ક્લાસિસમાં એક શિક્ષકે વિદ્યાર્થીનું ગળુ દબાવી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. આ ઘટનાને પગલે વિદ્યાર્થીને માર મારવાનો મામલો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતો. જો કે, બાદમાં વિદ્યાર્થીના માતા પિતા અને ક્લાસિસના સંચાલક વચ્ચે સમાધાન થઇ જતા ફરિયાદ નોંધવામાં આવી નહોતી.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતા એક વકીલનો પુત્ર એલન ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાસિસ કરે છે. ત્યારે સિંધુ ભવન રોડ પર આવેલા એલન ઇન્સ્ટિટ્યૂટમાં રવિવારે અહીં ક્લાસ ચાલી રહ્યા હતા. તે દરમિયાન ક્લાસમાં વિદ્યાર્થીઓને ભણાવી રહેલા અમન કોઠારી નામના શિક્ષકે વિદ્યાર્થીને સજા આપવા તેનું ગળુ પકડ્યુ જેનો વિદ્યાર્થી દ્વારા પ્રતિકાર કરતા શિક્ષકે બીજા હાથે તેના ગળાનો ભાગ દબાવ્યો હતો.
 
જ્યારે વિદ્યાર્થીને લેવા તેની માતા ક્લાસિસ પહોંચી ત્યારે વિદ્યાર્થીએ સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના માતા પિતા દિકરાને લઇને ક્લાસિસ પહોંચ્યા હતા અને ત્યાં હોબાળો પણ કર્યો હતો. ત્યારબાદ તેઓ વિદ્યાર્થીને લઇ ફરિયાદ કરવા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
 
આ ઘટનાને લઇ પોલીસે તપાસ હાથ ધરી જેમાં પોલીસના હાથે સીસીટીવી ફૂજેટ પણ લાગ્યા હતા. જેમાં શિક્ષક અમન કોઠારી વિદ્યાર્થીનું ગળુ દબાવતા જોવા મળ્યા હતા. ત્યારે આ ઘટના બાદ વિદ્યાર્થીને ગળાના ભાગે સામાન્ય ઇજા પણ પહોંચી હતી. પરંતુ એલન ઇન્સ્ટિટ્યૂટના સંચાલક સાથે સમાધાન થઇ જતા વિદ્યાર્થિના માતા-પિતાએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

સંબંધિત સમાચાર

Next Article