Gujarat rain photos- ગુજરાત ચોમાસુઃ કોરા ધાકોર રહેલા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, વાવમાં સૌથી વધુ

સોમવાર, 29 જુલાઈ 2019 (11:55 IST)
રવિવારથી ઉત્તર ગુજરાતમાં મેઘમહેર વરસી રહી છે. ત્યારે બનાસકાંઠાના વાવમાં ગઈકાલે રાતે 8 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સવારે 6 વાગ્યા સુધી 9 ઇંચ વરસી ચૂક્યો છે. બનાસકાંઠામાં 2017માં આવેલા પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક જગ્યાએ માઇનોર કેનાલો તૂટી ગઈ છે અને ખેતરોમાં પાણી ભરાયાછે. જ્યારે મોરિખા ગામ બેટમાં ફેરવાયું હોવાનું સામે આવ્યું છે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવ તાલુકામાં રવિવારે સાંજથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સોમવારે સવારે છ વાગ્યા સુધી વાવમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વરસાદને કારણે ખેતરો જાણે બેટમાં હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર પાણી ભરાયા છે. 2017 જેવી સ્થિતિ સર્જાઈ, અનેક જગ્યાએ માઇનોર કેનાલો તૂટી, ખેતરોમાં પાણી ભરાયા, મોરિખા ગામ બેટમાં ફેરવાયું છે. રાત્રે આઠ વાગ્યાની આસપાસ વાવમાં વીજપુરવઠો બંધ કરવામાં આવ્યો છે.
ડીસામાં જુલાઈ માસના છેલ્લા દિવસોમાં મેઘરાજા કહેર વાર્તાવે છે. છેલ્લા ચાર વર્ષનું વિશ્લેષણ જોવામાં આવે તો ડીસા તાલુકામાં વર્ષ 2015ના જુલાઈ માસના છેલ્લા અઠવાડિયામાં 35 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2016ના જુલાઇ માસના છેલ્લા અઠવાડિયામાં 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.


વર્ષ 2017ના જુલાઇ માસના છેલ્લા અઠવાડિયામાં 26 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે 2018માં 1 ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન આસપાસ થતી હોય છે અને લગભગ 15 સપ્ટેમ્બરના રોજ ચોમાસુ પૂર્ણ થતું હોય છે. પરંતુ ચોમાસાની વિધિવત શરૂઆત બાદ લગભગ 15 દિવસ જેટલો સમય વિતવા છતાં આ વર્ષે ડીસામાં જોઇએ તેવો વરસાદ વરસ્યો નથી. પરંતુ છેલ્લા ચાર વર્ષ દરમિયાન એકી સંખ્યા ધરાવતા વર્ષના જુલાઇ મહિનાના છેલ્લા અઠવાડીયામાં વિક્રમજનક વરસાદ નોંધાયો છે. વર્ષ 2015નું વર્ષ એકી સંખ્યા ધરાવે છે અને આ વર્ષે જુલાઇ મહિનાના છેલ્લા અઠવાડિયાનો આંકડો જોઈએ તો ત્રણ દિવસમાં 35 ઇંચ વરસાદ ડીસામાં ખાબક્યો હતો. પરંતુ તેના પછીના 2016ના જુલાઇ માસના છેલ્લા અઠવાડિયામાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો હતો. 

સોમવારે સવારે છ વાગ્યે પુરા થતાં 24 કલાક દરમિયાન બનાસકાંઠા જિલ્લામાં પડેલા વરસાદની માહિતી જોઈએ તો, અમીરગઢમાં 9 મિ.મી., ભાભરમાં 35 મિ.મી., દાંતીવાડામાં 10 મિ.મી., દિયોદરમાં 102 મિ.મી., ડીસામાં 14 મિ.મી., કાંકરેજમાં 34 મિ.મી., પાલનપુરમાં 04 મિ.મી., થરાદમાં 171 મિ.મી., વાવમાં 230 મિ.મી., વડગામમાં 20 મિ.મી., લાખણીમાં 47 મિ.મી., સુઈગામમાં 21 મિ.મી. વરસાદ પડ્યો છે.

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. રાજકોટ જિલ્લાના કાગદળી અને છતર સહિત રાજકોટ-મોરબી હાઈવે પર ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હાઈવે પર ભારે પવન સાથે વરસાદના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. રાજકોટ જિલ્લામાં સવારના 4થી 10 વાગ્યા સુધીમાં અડધાથી દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. 
રાજકોટ ચાલુ સિઝનમાં માત્ર 8થી 10 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.રાજકોટ શહેરમાં દોઢ ઇંચ, રાજકોટ ગ્રામ્યમાં એક ઇંચ, પડધરીમાં એક ઇંચ, વીંછિયા અડધો ઇંચ, જસદણમાં 3 એમએમ વરસાદ નોંધાયો છે. રાજકોટ શહેરમાં કાલાવડ રોડ, રૈયા રોડ, જામનગર રોડ, યાજ્ઞીક રોડ, 150 ફૂટ રિંગ રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર