દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ, વાંસદામાં 7 ઈંચ ખાબક્યો અનેક વિસ્તારમાં પાણી ભરાયા

ગુરુવાર, 25 જુલાઈ 2019 (12:37 IST)
દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ નવસારીના વાંસદામાં 7 ઈંચથી વધુ નોંધાયો હતો. જ્યારે આજે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે ગત રોજ સાંજથી દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે પવનના કારણે સુરત શહેરમાં એક વૃક્ષ પડતા મહિલાનું મોત પણ નીપજ્યું હતું. જ્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાકમાં સૌથી વધુ વરસાદ વાંસદામાં 180 મિમિ, સોનગઢમાં 101 મિમિ, ચીખલીમાં 100 મિમિ, આહવામાં 91 મિમિ વરસાદ નોંધાયો છે. અને દક્ષિણ ગુજરાતના 31 તાલુકામાં સામાન્યથી 7 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને કારણે વાંસદા, નવસારી અને જલાલપોરના અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. જુનાથાણા વિસ્તારમાં વાહનોને પસાર થવામાં પણ મુશ્કેલી પડી હતી અને પાણીમાં અનેક વાહનો ખોટકાયા હતા. સ્ટેશન વિસ્તાર, વિજલપોરના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા. જ્યારે શહેરના અનેક વિસ્તારમાં વીજ દુલ થઈ ગઈ અને અંધારપટની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટેશન વિસ્તાર, લાઈબ્રેરી વિસ્તાર, જુનાથાણા વગેરે વિસ્તારમાં વીજ ગાયબ થઈ હતી. કેટલાક વિસ્તારમાં અડધા કલાકમાં તો કેટલાક વિસ્તારમાં તો પોણા કલાક બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થયો હતો. હાલના વરસાદથી ખેડૂતોને પણ રાહત થઇ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર