ગામડાઓનો વિકાસ કરવા ભાજપના પ્રધાનો, સાંસદો અને ધારાસભ્યોઓ એક એક ગામ દત્તક લઈ ગામનો પોતાની ગ્રાન્ટમાંથી વિકાસ કરવાનું મોટા ઉપાડે કામ ઉપાડી લીધું હતું, પરંતુ ખરેખર વિકાસની વાસ્તવિકતા જોતા ત્યાં કોઈ વિકાસ થયો ન હતો. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાની સુરેલા ગ્રામ પંચાયતના તાબા હેઠળ આવતા અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દત્તક લીધેલા ભમરીયા ગામના લોકો પાણી વિના ટળવળી રહ્યા છે. સુરેલા ગામની મહિલા સરપંચે પાણી પુરવઠા વિભાગને પત્ર લખી ટેન્કર ચાલુ કરવા માંગ કરી છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ગામમાં લોકો પાણીની પોકાર ઉઠવા છતાં પાણીના ટેન્કર ચાલુ કરવામાં આવ્યા નથી. જેને લઈ ગામ લોકોમાં રોષ ફેલાયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં ચોમાસું નિષ્ફળ રહેતા અનેક જિલ્લાઓમાં પીવાનાં પાણીને લઈ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવી ગયો છે. પાણીને કારણ વૃદ્ધો, મહિલાઓ, પુરૂષો અને બાળકો પાણી ભરવા દૂરદૂર સુધી હાથમાં બેડા અને કેરબા લઈને ભટકી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાનું સુરેલા ગામ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દત્તક લઈ વિકાસ કરવાની જાહેરાત અગાઉ કરી હતી. હાલમાં આ ગામમાં લોકો પીવાના પાણીને લઈ ભટકી રહ્યા છે. સુરેલા ગ્રામ પંચાયત હેઠળ આવતા ભમરીયા ગામમાં પાણી પુરવઠાના વિતરણ માટે કોઈ પુરતી વ્યવસ્થા ઉપલબ્ધ ના હોઈ આ ગામના લોકો પીવાનાં પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યાં છે. સુરેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ લાશુબેન બુબડીયાએ પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સમક્ષ લેખિત રજૂઆત કરી આ ગામમાં પાણી પૂરું પાડવા માટે યુદ્ધના ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. તેજ સુરેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચની આ લેખિત રજૂઆતે તંત્રની બેદરકારીને છતી કરી હતી. દોઢ માસ અગાઉ પાણી પુરવઠાને લેખિત રજૂઆત કરાઈ હતી ત્યાર બાદ તાલુકા પંચાયતને પણ જાણ કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા પાણી શરૂ ન કરાતાં બે દિવસ અગાઉ સુરેલા ગ્રામ પંચાયતના મહિલા સરપંચએ પાણી પુરવઠાને ગ્રામ પંચાયતના લેટર પેડ પર પાણી પૂરું પાડવાની માંગ કરી હતી. આમ એક મહિલા સરપંચ થઈને ગામની પાણીની મુશ્કેલીઓને લઈ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર ધોર નિદ્રમાં હોઈ કોઈ રજૂઆત સાંભળતું ન હોઈ મહિલા સરપંચને રાજ્ય પાણી પુરવઠા વિભાગને મુખ્ય પ્રધાને દત્તક ગામ લીધું હોવાનું જાણ કરવા છતાં પણ ગામમાં ટેન્કરથી પાણી હાલમાં ચાલુ ન કરવામાં આવ્યું હોવાથી મુખ્ય પ્રધાને દત્તક લીધેલા ગામમાં જ પીવાના પાણીના ટેન્કર ફાળવવામાં લાપરવાહી સામે લોકોમાં રોષ છે.