ગુજરાતમાં ૨૦૧૭-૧૮માં પ્રવેશ બાદ ૭૩ હજાર બાળકોએ ભણતર છોડ્યું

Webdunia
સોમવાર, 10 જૂન 2019 (12:07 IST)
ગુજરાતમાં શિક્ષણનું સ્તર સુધારવા અને નવા વર્ષમાં વધુમાં વધુ બાળકો પ્રવેશ મેળવે તેની તૈયારીઓ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે આરંભી હતી. જેમાં ૨૦૧૯ના શૈક્ષણિક વર્ષ માટે આગામી તા.૧૩, તા.૧૪ અને તા. ૧૫મી જૂનના રોજ યોજાનાર શાળા પ્રવેશોત્સવ અંગે મુખ્ય પ્રધાનની અધ્યક્ષતામાં તાજેતરમાં એક બેઠક મળી હતી.
 જેમાં શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ વર્ષની સિદ્ધિઓ અને આગામી વર્ષ માટેના આયોજન અંગે વીડિયો કોન્ફરન્સમાં કેટલીક માહિતી જાહેર કરી હતી. જેમાં શિક્ષણ વિભાગે કબૂલાત કરી હતી કે, વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રાથમિક શાળામાં પ્રવેશ લીધા બાદ ૭૩,૫૪૭ જેટલા બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. ભણવાનું છોડી દીધેલા આ બાળકો શું કરે છે તેની કોઈ જાણકારી ન હોવાની પણ કબૂલાત કરી હતી. 
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની ભાજપ સરકાર સર્વ શિક્ષણ અભિયાન હેઠળ રાજ્યમાં ગરીબ બાળકોને પ્રવેશ આપવા દર વર્ષે મોટી મોટી જાહેરાતો કરી પ્રવેશ ઉત્સવની ઉજવણી કરી પ્રવેશના મોટા આંકડા બતાવવાની વાતો કરતી ભાજપ સરકાર પ્રવેશ લીધેલ બાળકની શિક્ષણની કોઈ જ ખબર રાખતી ન હોવાનું સામે આવ્યું હતું. 
વર્ષ-૨૦૧૭-૧૮માં પ્રવેશ લીધા બાદ જે બાળકોએ ભણવાનું છોડી દીધું હતું. તેવા બાળકોએ ખાનગી સ્કૂલોમાં પ્રવેશ મેળવી લીધો હોય અને સ્કૂલો દ્વારા તેની કોઈ વિગતો રાખવામાં આવી ના હોય તો પણ આ બાળકો મિસિંગ હોઈ શકે છે તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 
જેથી નવા શૈક્ષણિક વર્ષથી પ્રાથમિક શાળામાં અને ત્યાર બાદ ધોરણ.૮ પછી તેમ જ ધોરણ.૧૦ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કઈ સ્કૂલમાં પ્રવેશ મેળવે છે તેની સંપૂર્ણ માહિતી એકત્રિત કરવા માટે પણ શિક્ષણ વિભાગે સૂચના આપી છે. ધોરણ.૮ કે ધોરણ.૧૦ પછી કોઈ વિદ્યાર્થી પ્રોફેશનલ કોર્ષમાં પ્રવેશ મેળવે તો તેની જાણકારી પણ સ્કૂલોએ મેળવી ડેટા ઓનલાઈન અપલોડ કરવાનો રહેશે, આ સિવાય કોઈ વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે તો તેના કારણો જાણી ભણવાનું શરૂ થાય તેના પ્રયાસો કરવાની પણ સૂચના અપાઈ હતી.

સંબંધિત સમાચાર

Next Article