ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં CM અને સી.આર.પાટીલને આમંત્રણ, વિરોધ કરનાર પીપળીયાને ધમકી

Webdunia
બુધવાર, 17 મે 2023 (16:50 IST)
અમદાવાદ, સુરત અને રાજકોટમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર યોજાશે
હું કોઈ ધમકીથી ડરવાનો નથી. મારો વિરોધ ધર્મ સામે નથી માત્ર ને માત્ર ધતિંગ સામે છેઃ સહકારી અગ્રણી પીપળીયા
 
ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં હવે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. આ દરબારને લઈને રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાએ ફેસબુક પર પોસ્ટ મૂકીને વિરોધ નોંધાવ્યા બાદ તેમને ફોન પર ધમકીઓ મળવાની શરૂ થઈ છે. અમદાવાદ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં ચાણક્યપુરી ખાતે બે દિવસ તેમનો દરબાર યોજાશે. દિવ્ય દરબારમાં કોઈ રજિસ્ટ્રેશન નથી. મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રીને લાગશે ત્યારે તેઓ દિવ્ય દરબારમાં બેઠેલા જે પણ ભક્ત હશે તેની અરજીને માન્ય રાખીને સ્ટેજ ઉપર બોલાવશે અને ત્યાં તેમના પ્રશ્નને સાંભળશે.
 
કમિશનર અને વહીવટી તંત્રનું કામ છે તે કરી શકે છે
રાજ્યમાં જે વિરોધ થઈ રહ્યો છે તે મામલે આચાર્ય પ્રમોદ મહારાજે મીડિયાને જણાવ્યું હતું કે આજે સોશિયલ મીડિયાનો જમાનો છે અને લોકો સોશિયલ મીડિયા ઉપર વિરોધ કરી શકે છે. તેને માન્ય ગણી શકાય નહીં, જેને જે પણ વિરોધ હોય તે અમારી સમક્ષ આવી શકે છે. બાબા કોઈ જાદુગર નથી. બાબા કોઈ તાંત્રિક નથી. ભૂતકાળમાં આવા પ્રશ્નો થઈ ચૂક્યા છે. સુરતમાં જે પણ પોલીસ અને કલેક્ટર સમક્ષ અરજી કરવામાં આવી છે, તેમાં કમિશનર અને વહીવટી તંત્રનું કામ છે તે કરી શકે છે. 
 
CM અને સી.આર.પાટીલને આમંત્રણ
દિવ્ય દરબારના આયોજક અમિત શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, તમામ ધારાસભ્યો, કોર્પોરેટરો અને કોર્પોરેશનના હોદ્દેદારોને અમે આમંત્રણ આપ્યું છે, જેની પણ શ્રદ્ધા હોય તે આ દિવ્ય દરબારમાં આવી શકે છે. રાજકોટ કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના સીઈઓ પુરુષોત્તમ પીપળીયાએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર જુદી-જુદી ચાર પોસ્ટ મૂકી હતી. જેને લઇ તેમને અલગ અલગ ફોન તેમજ મેસેજ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે.આજે ધમકીઓ આવતા તેમને જણાવ્યું હતું કે, મને અલગ અલગ ફોન મેસેજથી ધમકી મળી રહી છે. હું કોઈ ધમકીથી ડરવાનો નથી. મારો વિરોધ ધર્મ સામે નથી માત્ર ને માત્ર ધતિંગ સામે છે. હું કોઈ પોલીસ ફરિયાદ પણ કરવાનો નથી અને પોલીસ પ્રોટેક્શન પણ માંગવાનો નથી.

સંબંધિત સમાચાર

Next Article