ગાંધી અને મોદીનાં ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા ઉડાડતી આ ઘટના જેમાં એક સફેદ રંગની સીલેરીઓ કાર બિયરની પેટીઓ ભરી અમદાવાદ એક્સપ્રેસ હાઇવેથી વડોદરા તરફ પુરપાટ ઝડપે ગઇકાલે આવી રહી હતી. જ્યાં અચાનક કાર ચલાકે સ્ટીયરિંગ પરનુ કાબુ ગુમાવતા બિયરની પેટીઓ ભરેલી કાર પલટી ખાઇ ડિવાઇડર કુદી બીજી તરફ સામેથી આવતી મર્સીડીઝ કાર સાથે અથડાઇ હતી. એક્સપ્રેસ હાઇવે પર બિયર ભરેલી કાર પલટી થતાની સાથે જ રસ્તા પર બિયરની રેલમછેલ થઇ જવા પામી હતી. જે જોતા આસપાસમાં રહેતા ગ્રામજનો તેમજ વાહનચાલકો પણ બિયર લૂંટવા માટે દોડી આવ્યાં હતા. જોકે બનાવને પગલે તાલુકા પોલીસે એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, શહેર નજીક દુમાડ પાસે એક્સપ્રેસ હાઇવે પર શનિવારે સફેદ રંગની બીયરની પેટીઓ ભરેલી મારૂતિ સીલેરીઓ કાર પુરપાટ ઝડપે અમદાવાદથી વડોદરા તરફ આવી રહીં હતી. જ્યાં અચાનક દુમાડ પાસે કાર ચાલકે કારના સ્ટીયરિંગ પરનુ કાબુ ગુમાવી દેતા કાર ડિવાઇડર સાથે ધડાકાભેર ભટકાઇ રોડની બીજી તરફ આવી અમદાવાદ પાસિંગની મર્સિડિઝ કાર સાથે અથડાઇ હતી. જો કે મર્સિડિઝ કાર ચાલકેને કોઈ ઇજા થઇ ન હતી. કારમાં ભરેલો બિયરનો જથ્થો રસ્તા પર પડતા બિયરની રેલમછેલ થઇ ગઇ હતી. જે અંગેની જાણ આસપાસમાં રહેતા લોકોને થતાની સાથે જ ટોળા ઉમટી પડ્યા હતા. તેમજ રસ્તા પર ભારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે ટ્રક ડ્રાઇવરો પણ પોતાનો ટ્રક રસ્તા વચ્ચે ઊભી રાખી બિયર લુંટવા માટે દોડી આવ્યા હતા. રસ્તા પર પડેલી બિયરો લુંટવા માટે પુરૂષોની સાથે સાથે કેટલીક મહિલાઓ પણ દોડી આવી હતી. જ્યાં મહિલાઓએ પણ બિયરનો જથ્થો લૂંટી લીધો હતો.