ગુજરાતમાં તારીખ 26 મેથી 3 જૂન સુધી બાગેશ્વર બાબા ગુજરાતનાં ચાર મહાનગર- સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરા ખાતે સભા સંબોધવાના છે. જેએ લઈને તેમના ભક્તો દ્વારા આલીશાન આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ મહાનગરોમાં પ્રવાસ માટે બાબા ચાર્ટર્ડ પ્લેનનો ઉપયોગ કરશે. રૂ.80 લાખના ખર્ચે તૈયાર થયેલા દસ બેડરૂમના બંગલામાં રહેશે. તેમની સભાઓ દરમિયાન દૈનિક 1.50 લાખ જેટલા ભક્તો ઉપસ્થિત રહેશે અને 500 જેટલી કાર સાથે તેમની ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે
સૌપ્રથમ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતાના દિવ્ય દરબારનો પ્રારંભ સુરત ખાતેથી કરશે. જ્યાં તેઓ તારીખ 26 અને 27 મે 2023ના આવી રહ્યા છે. એને લઈને બાગેશ્વર ધામ સરકાર આયોજક સમિતિ દ્વારા બેઠકો શરૂ કરીને આયોજનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. 26 મેના રોજ તેઓ ચાર્ટર્ડ પ્લેનથી સુરત એરપોર્ટ પર પહોંચશે. ત્યાર બાદ તેઓ તેમના નિવાસસ્થાનની જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે ત્યાં પહોંચશે.બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્ય દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે ખૂબ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની લોકચાહના સતત વધી રહી છે. તેઓ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે, જેને કારણે લોકોની આસ્થા પણ ખૂબ જ વધી છે. તેઓ સુરત ચાર્ટર્ડ પ્લેનથી આવવાના છે. સાંજે પાંચ વાગ્યાનો કાર્યક્રમ છે, એ પહેલા જ તેઓ સુરત પહોંચી જશે. તેમના નિવાસસ્થાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અને તેમની જે ટીમ છે તેમના માટેની પણ તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ભવ્ય અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, એમાં ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે વિશાળ એવા 16+4 એટલે કે 20 બ્લોક બનાવવામાં આવશે, જેમાં ટોટલ 7,20,000 સ્ક્વેર ફૂટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવશે. આ 20 બ્લોકમાં ટોટલ 1,75,000 શ્રોતાની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં શ્રોતાઓ માટે ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ કુલ 6 જગ્યાએ નિઃશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.100×40 ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવશે છે તથા 5000 સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતાં એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવશે.