સુરતમાં પોલીસકર્મીને દોડાવીને માર્યો: VIDEO

Webdunia
મંગળવાર, 2 જાન્યુઆરી 2024 (17:20 IST)
સરકાર દ્વારા જે નવા નિયમો લાગુ કરાયા છે, તેને કારણે ડ્રાઇવર અને કંડક્ટરો દ્વારા અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી છે. આજે સુરતમાં BRTS-સિટી બસનો 50 ટકા જેટલો સ્ટાફ હડતાલ ઉપર ઉતરી ગયો છે. આજે કેટલાક રૂટ ઉપર BRTS-સિટી બસ શરૂ થતા તેનો અન્ય ડ્રાઇવર અને કંડક્ટરો દ્વારા વિરોધ કરાતા વાતાવરણ તંગ બની ગયું હતું. આ મામલે ઘટના સ્થળે પહોંચેલી પોલીસ સાથે ડ્રાઈવરોની માથાકૂટ થઈ હતી. જેમાં એક પોલીસકર્મીને ડ્રાઈવરોએ દોડાવી દોડાવીને માર્યો હતો. અંદાજે 50 લોકોએ પોલીસકર્મી પર હુમલો કર્યો હતો. જેમાંથી 19 લોકોની ઓળખ થતાં તેની પોલીસ અટકાયત કરી છે. 
 
માથાકૂટ-મારામારી કરી હોવાના વીડિયો વાયરલ
પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરતના ડુમસ રોડ પર સિટી બસ સેવા શરૂ થતાં જ ડ્રાઈવરો ઉશ્કેરાયા હતાં.હડતાળ પર ઉતરેલા બસના ડ્રાઇવર અને કંડકટર ત્યાં વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયા હતા. આંત્રોલી ખાતે સિટી બસ પહોંચતા જ માથાકૂટ શરૂ થઈ હતી. આંત્રોલી રોડ ઉપર જ સિટી બસને ઊભી રાખી તેમાં તોડફોડ કરવામાં આવી હતી. સિટી બસ કોન્ટ્રાક્ટના કેટલાક ડ્રાઇવરો અને કંડક્ટરો દ્વારા ઉગ્ર વિરોધ સાથે રોડ ચક્કાજામ કરી દેવામાં આવ્યો હતો.સમગ્ર મામલાને થાળે પાડવા જતા પોલીસ સાથે પણ વિરોધ કરનારા લોકોએ માથાકૂટ-મારામારી કરી હોવાના વીડિયો વાયરલ થયો છે.
 
19 લોકોની ઓળખ કરી અટકાયત કરી લેવામાં આવી 
PCR વાન 902ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો થતાં વાતાવરણ તંગ બની ગયું હોવાનો અને હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ અંગે DCP રાજેશ પરમારે જણાવ્યું કે, આ ઘટના સવારની છે જેમાં ચક્કાજામ કરીને ડ્રાઇવરો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન ડુમસ પોલીસની PCR ત્યાં રસ્તો ખુલ્લો કરવા માટે પહોંચી હતી. ત્યારે ડ્રાઇવરો એ અમારા કોન્સ્ટેબલ સાથે હાથાપાઈ કરી માર માર્યો હતો. જેને લઇ ડુમસ પોલીસમાં આ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે અને 19 લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસ પર કરવામાં આવેલા હુમલામાં 40થી 50 લોકો હતા. જેમાંથી 19 લોકોની ઓળખ કરી અટકાયત કરી લેવામાં આવી છે.

સંબંધિત સમાચાર

Next Article