ગુજરાત પોલીસે ક્રાઇમ એન્ડ ક્રિમીનલ ટ્રેકિંગ નેટવર્ક એન્ડ સિસ્ટમ્સ હેકાથોન અને સાયબર ચેલેન્જ ર૦ર૦ સ્પર્ધામાં દેશભરના રાજ્યોમાં પ્રથમ ક્રમ મેળવી ગુજરાત પોલીસની ગૌરવ ગાથામાં વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ ગૌરવ સિદ્ધિની વિગતો આપતાં જણાવ્યું છે કે, ભારત સરકારના ગૃહ મંત્રાલય હસ્તકના નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો દ્વારા આ હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના હસ્તે ગુજરાત પોલીસ વતી આ ઇનામો સાયબર ક્રાઇમ સેલના ડી.સી.પી. ડૉ. રાજદીપસિંહ ઝાલાને નવી દિલ્હીમાં એન.સી.આર.બી.ના ૩પમાં સ્થાપના દિવસ અવસરે આયોજિત સમારોહમાં એનાયત કરવામાં આવ્યા હતા. આ હેકાથોનમાં દેશના બધા જ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ બેસ્ટ કેસ સ્ટડી, ઇનોવેશન ઇન સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન્સ અને તે અંગેના નવિન વિચારોની પોતાની એન્ટ્રી રજૂ કરી હતી.
ગુજરાત પોલીસે સાયબર આશ્વસ્ત પ્રોજેકટ અંતર્ગત ઇન્સીડન્ટ રિસ્પોન્સ યુનિટ તેમજ ઇન્કમટેક્ષ કેઇસ ડિટેકશન એમ બે એન્ટ્રી સાથે આ હેકાથોનમાં ભાગ લીધો હતો. દેશના રાજ્યો તથા પ્રાયવેટ સાયબર એકસપર્ટ સહિત પ૦૦ જેટલી એન્ટ્રીઝમાંથી ગુજરાતની આ બેય એન્ટ્રીને પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે.
આ હેકાથોનમાં અલગ અલગ ૩ ટ્રેક રાખવામાં આવ્યા હતા. તે પૈકીના ટ્રેક-૩ અંતર્ગત ઇ-રક્ષા એવોર્ડ ગુજરાત પોલીસને પ્રથમ ક્રમ મેળવવા માટે એનાયત કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી આ ગૌરવ સિદ્ધિ માટે પોલીસ દળને અભિનંદન પાઠવ્યા છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, સાયબર આશ્વસ્ત પ્રોજેકટનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહે ગત તા.૧૧ જાન્યુઆરી એ જ લોન્ચીંગ કરેલું છે. એટલું જ નહિ, ગુજરાત પોલીસની જે અન્ય એન્ટ્રીને પ્રથમ ઇનામ મળ્યું છે તેમાં ૭ નાઇઝીરીયન હેકર્સ અને અન્ય ૬ વ્યકિતઓએ ર૬ રાજ્યોમાં ૪પ૭ર ભારતીયોના એકાઉન્ટ હેક કરીને બારોબાર રૂપિયા ઉપાડી લઇને ગૂનો કર્યો હતો તે ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ ટીમ દ્વારા શોધી કાઢી ગૂનેગારોને જબ્બે કરવામાં આવ્યા હતા.ગુજરાતે સાયબર ક્રાઇમ સામે ત્વરાએ અને સચોટ પગલાં ભરી ગૂનાખોરી નાથવાના હાથ ધરેલા નવતર અભિગમની આ હેકાથોનમાં સરાહના કરવામાં આવી હતી.