વડોદરાના છાણીની સોસાયટીમાં રહેતી 11 મહિનાની બાળકીનું કારેલીબાગ વિસ્તારના દવાખાનામાં સારવાર દરમિયાન મોત થયું હતું.કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શુક્રવારે જાહેર કરાયેલા આંકડા મુજબ ડેન્ગ્યૂના શંકાસ્પદ 79 કેસ નોંધાયા હતા, જે પૈકી 17 પોઝિટિવ આવ્યા છે. સિઝનમાં કુલ 6,055 દર્દી શંકાસ્પદ નોંધાયા હતા, જે પૈકી 553 દર્દી પોઝિટિવ આવ્યા છે. જ્યારે ચિકનગુનિયાના 40 શંકાસ્પદ દર્દી પૈકી 2 પોઝિટિવ આવ્યા છે. બીજી તરફ મચ્છરજન્ય રોગચાળાને નાથવા માટે 19 કન્સ્ટ્રક્શન સાઇટ પર આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું, જોકે એક પણ જગ્યાએ મચ્છરના પોરા મળી આવ્યા નથી.
છાણીમાં ડેન્ગ્યૂએ ભરડો લેતાં આ વિસ્તારમાં આવેલી શ્રીનાથપાર્ક સોસાયટીમાં અંદાજે 10 જેટલા લોકોને ડેન્ગ્યૂ પોઝિટિવ આવતાં રહીશોમાં રોષ જોવા મળ્યો છે. કારેલીબાગ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા જણાવ્યા મુજબ ગુરુવારે રાત્રે ક્રિટિકલ કન્ડિશનમાં દર્દી આવ્યું હતું. 20 થી 25 મિનિટની સારવારમાં તેનું મોત થયું હતું. હોસ્પિટલ દ્વારા તેનો ડેન્ગ્યૂ ટેસ્ટ કરાવાયો હતો, જે પોઝિટિવ હતો. કોર્પોરેશનના મુખ્ય આરોગ્ય અમલદાર ડો.દેવેશ પટેલે જણાવ્યું હતું કે,બાળકીને તાવ હતો, કારેલીબાગની હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. ડેન્ગ્યૂથી મોત થયું હોવાનું સત્તાવાર કન્ફર્મ થયું નથી.